IPL 2025

શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ

કેકેઆર પાસે છે ત્રણ ટાઇટલ, આરસીબી પાસે એકેય નથીઃ શાનદાર ઓપનિંગ બાદ આ બે ટીમ વચ્ચે પ્રથમ જંગ

કોલકાતાઃ નવા નિયમો અને નવા કૅપ્ટનો સાથે 18મી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો આવતી કાલે (શનિવારે) અહીં સાંજે 7.30 વાગ્યે વરસાદના વિઘ્નની સંભાવના વચ્ચે ધમાકેદાર આરંભ થશે જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તથા ત્રણ ટાઇટલ જીતી ચૂકેલી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમ અને પહેલા ટાઇટલની તલાશ કરી રહેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ વચ્ચે પ્રારંભિક મુકાબલો થશે.

આ પહેલી મૅચ અગાઉ શાનદાર ઓપનિંગ યોજાશે જેમાં શ્રેયા ગોસલ, કરણ ઔજલા અને દિશા પટણી પોતપોતાની કલાથી હજારો પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી-દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.

કેકેઆરને અજિંક્ય રહાણેના રૂપમાં નવો કૅપ્ટન મળ્યો છે, જ્યારે આરસીબીની ટીમ પણ નવા સુકાની રજત પાટીદાર સાથે મેદાન પર ઊતરશે. આ બન્ને સુકાની ટૉપ-ઑર્ડર બૅટર છે અને ટીમને તોતિંગ સ્કોર અપાવવામાં મોટું યોગદાન આપી શકે એવા છે.

આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન

2020માં વિશ્વભરને ભરડામાં લેનાર કોવિડની મહામારી બાદ બોલર્સ પહેલી વાર આઇપીએલમાં બોલિંગ વખતે બૉલ પર લાળ લગાડતા જોવા મળશે. બીસીસીઆઇએ બૉલ પર લાળ લગાડવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.

મોડી સાંજે અને રાત્રે ભેજને કારણે ખેલાડીઓને થતી હેરાનગતિ દૂર થતી જોવા મળશે, કારણકે સેકન્ડ ઇનિંગ્સમાં 11મી ઓવરથી (વાપરેલો) નવો બૉલ ઉપયોગમાં લેવાની છૂટ આપવામાં આવી રહી છે.

ઊંચા વાઇડ તથા ઑફ સાઇડના વાઇડ માટે હવેથી ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)ની મદદ લઈ શકાશે તેમ જ હવેથી આઇપીએલમાં સ્લો ઓવર-રેટના અફેન્સ બદલ સંબંધિત ટીમના કૅપ્ટનને (દંડ થશે, પરંતુ) કોઈ મૅચમાંથી સસ્પેન્ડ નહીં કરવામાં આવે.

આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…

આ સ્પર્ધાની બીજી મૅચ રવિવાર, 23મી માર્ચે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે (બપોરે 3.30 વાગ્યાથી) રમાશે. એ જ દિવસની પછીની મૅચ વિક્રમજનક પાંચ-પાંચ વખત ટાઇટલ જીતી ચૂકેલા મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે (સાંજે 7.30 વાગ્યાથી) રમાશે.

શનિવારની પ્રારંભિક મૅચની ટીમમાં કોણ-કોણ છે?

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), વેન્કટેશ ઐયર (વાઇસ-કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, અંગક્રિશ રઘુવંશી, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સ્પેન્સર જૉન્સન, મયંક માર્કન્ડે, ઍન્રિક નોર્કિયા, વરુણ ચક્રવર્તી, મનીષ પાન્ડે, રૉવમૅન પોવેલ, રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), અનુકૂલ રૉય, ચેતન સાકરિયા અને લવનીથ સિસોદિયા.

બેન્ગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, જિતેશ શર્મા (વિકેટકીપર), ફિલ સૉલ્ટ, જૅકબ બેથેલ, દેવદત્ત પડિક્કલ, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, લિઆમ લિવિંગસ્ટન, અભિનંદન સિંહ, મનોજ ભંડાગે, સ્વસ્તિક ચિકારા, જૉશ હૅઝલવૂડ, ભુવનેશ્વર કુમાર, મોહિત રાઠી, લુન્ગી ઍન્ગિડી, રસિખ સલામ, સુયશ શર્મા, સ્વપ્નિલ સિંહ, નુવાન થુશારા અને યશ દયાલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button