IPL 2025

“મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી…” RCBની જીત પર વિજય માલ્યાએ શું કહ્યું?

IPL 2025ની ફાઈનલ મેચ ઐતિહાસિક હતી. કારણ કે ફાઈનલમાં બંને ટીમ એવી હતી. જે 18 વર્ષ બાદ ફાઈનલમાં આવી હતી. બંને ટીમના ખેલાડીઓ અને ચાહકોને જીતની આશા લઈને બેઠા હતા. પરંતુ આખરે રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ટીમે પંજાબ કિંગ્સને હરાવી IPLની ટ્રોફી પોતાને નામે કરી હતી.

રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની જીતથી વિરાટ કોહલી સહિત ટીમના તમામ ખેલાડીઓ અને દેશ અને દુનિયામાં રહેલા તેના ચાહકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. લોકોએ રસ્તા પર નીકળીને ફટાકડા ફોડી તથા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે RCBના પૂર્વ માલિક વિજય માલ્યાએ પણ X પર પોસ્ટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

વિજય માલ્યાએ X પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, “જ્યારે મેં RCBની સ્થાપના કરી ત્યારે મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી બેંગલુરુ આવે. મને યુવા ખેલાડી તરીકે સુપ્રસિદ્ધ કિંગ કોહલીને પસંદ કરવાનો લહાવો મળ્યો હતો. 18 વર્ષ સુધી RCB સાથે રહ્યા એ નોંધપાત્ર છે. મને ક્રિસ ગેલને યુનિવર્સ બોસ અને મિસ્ટર 360 એબી ડેવિલર્સને પસંદ કરવાનું પણ સન્માન મળ્યું, જેઓ RCB ના ઇતિહાસનું અવિભાજ્ય અંગ છે. આખરે, IPLની ટ્રોફી બેંગલુરુ આવી. મારા સ્વપ્નને સાકાર કરનાર સૌને અભિનંદન અને ફરીથી આભાર. RCB ચાહકો ખૂબ જ શ્રેષ્ઠ છે અને તેઓ IPL ટ્રોફીને લાયક છે. Ee Sala Cup Bengaluru baruthe!”

ઈ સાલા કપ બેંગલુરૂ બરૂથે! જેનો અર્થ થાય છે કે, આ વર્ષે કપ બેંગલુરૂનો છે. આ સિવાય વિજય માલ્યાએ X પર કરેલી અન્ય પોસ્ટમાં પણ 18 વર્ષ પછી IPL ચેમ્પિયન બનવા બદલ ટીમને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, RCB પાસે “સંતુલિત ટીમ” છે જે “ઉત્તમ કોચ અને સપોર્ટ સ્ટાફ” સાથે તે હિંમતભેર રમી રહી છે.

વિજય માલ્યા સિવાય આનંદ મહિન્દ્રા, હર્ષ ગોએન્કા અને નિખિલ કામથ સહિતની જાણીતી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાએ 2008માં RCBની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી, પરંતુ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા પછી અને ત્યારબાદ ભારત છોડીને ભાગી ગયા હતા. 2016માં IPL ફ્રેન્ચાઇઝીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને પત્ર લખીને માલ્યાના રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (RCSPL)ના ડિરેક્ટર પદેથી રાજીનામાની જાણ કરી હતી.

આ પણ વાંચો….બેંગલૂરુના નવ વિકેટે 190ઃ પંજાબની ચોક્કા સાથે શરૂઆત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button