IPL 2025

કોહલી, પાટીદાર, જિતેશ અને આરસીબીએ અનલકી વાનખેડેને નસીબવંતુ બનાવી દીધું…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: 2015ના વર્ષ બાદ પહેલી વાર (10 વર્ષે) વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે વિજય મેળવવા આવેલા રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના બેટ્સમેનોએ બૅટના જોરે આજે આ સ્ટેડિયમ ખૂબ ગજાવ્યું હતું. આરસીબી તરફથી આજે આ ગ્રાઉન્ડ પર કેટલાક વિક્રમ બન્યા હતા.આરસીબીએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 221 રન કર્યા હતા અને એમઆઈને 222 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો.

BCCI

આ વખતની આઇપીએલ (IPL 2025)માં આરસીબીનું આ હાઈએસ્ટ અને કુલ પાંચમા નંબરનું ટોટલ છે.
વિરાટ કોહલી (67 રન, 42 બૉલ, બે સિક્સર, આઠ ફોર) અને કેપ્ટન રજત પાટીદાર (64 રન, 32 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ આતશબાજીથી 32,000-પ્લસ પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

વિરાટ અને દેવદત પડિક્કલ (37 રન, 22 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 91 રનની અને વિરાટ તથા પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 48 રનની પાર્ટનરશિપ થઈ હતી.

વિકેટકીપર જિતેશ શર્મા (40 અણનમ, 19 બૉલ, ચાર સિક્સર, બે ફોર)એ પણ આરસીબીની ઇનિંગ્સને ચાર ચાંદ લગાવ્યા હતા. 2016 બાદ વાનખેડેમાં એમઆઈ સામે આરસીબી 2025ની સાલ પહેલાં તમામ છ મૅચ હારી હતી જેમાંના પાંચ પરાજય મોટા માર્જિનથી થયા હતા. જોકે 2024માં આરસીબીની ટીમ આ જ મેદાન પરની ફટકાબાજીથી અસલ રંગમાં આવી અને તમામ ટીમોમાં સૌથી આક્રમક બની હતી.

આ વખતે છ ઓવરના પાવરપ્લેમાં આરસીબીની ટીમે 73/1ના સ્કોર સાથે વાનખેડેમાં એમઆઈ સામે પાવરપ્લેમાં ચેન્નઈ (90 રન) પછી બીજા નંબરનો અને આઈપીએલના ઇતિહાસમાં ચોથા નંબરનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. અધૂરામાં પૂરું, 29 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કારણસર વિરાટ હવે આ જ મેદાન પર ટી-20ના ઈતિહાસમાં સૌથી ઝડપે 13,000 રન પૂરા કરનાર ક્રિસ ગેઇલ પછીનો બીજા નંબરનો બૅટ્સમૅન બન્યો છે.

ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે આઈપીએલમાં 31મી વાર મૅચની પ્રથમ ઓવરમાં વિકેટ મેળવવાનો વિક્રમ કર્યો હતો. તેણે ફિલ સોલ્ટને આઉટ કર્યો હતો. મુંબઈના સાત બોલરમાં બોલ્ટ અને કેપ્ટન હાર્દિકે બે-બે વિકેટ અને સ્પિનર પુથુરે એક વિકેટ લીધી હતી. કમબૅકમૅન બુમરાહ તેમ જ ચાહર, વિલ જેક્સ અને સેન્ટનરને વિકેટ નહોતી મળી.
બોલ્ટની ચાર ઓવરમાં 57 રન થયા હતા અને તે સૌથી ખર્ચાળ બન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button