IPL 2025ટોપ ન્યૂઝ

દિલ્હીનો વિજયી ચોક્કો, રાહુલ અણનમ 93 રન સાથે મૅચ-વિનર…

અક્ષર પટેલની ટીમનો હવે રવિવારે મુંબઈ સામે મુકાબલો

બેંગલૂરુઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ આજે અહીં યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને છ વિકેટે હરાવીને `વિજયનો ચોક્કો’ માર્યો હતો. અક્ષર પટેલના સુકાનમાં આ વખતે પહેલી ચારેય મૅચ જીતનારી આ પ્રથમ ટીમે 164 રનનો સાધારણ લક્ષ્યાંક 17.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 169 રનના ટોટલ સાથે મેળવી લીધો હતો. પૉઇન્ટ્સમાં દિલ્હીની ટીમ આઠ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. ગુજરાત આઠ પૉઇન્ટ અને ચડિયાતા રનરેટ બદલ પ્રથમ સ્થાને છે. કેએલ રાહુલ (KL RAHUL) મૅચ-વિનર બન્યો હતો.

દિલ્હીના ટોચના ત્રણેય બૅટર ફાફ ડુ પ્લેસી (બે રન), જેક ફ્રેઝર-મૅકગર્ક (સાત રન) અને ઇમ્પૅક્ટ પ્લેયર અભિષેક પોરેલ (સાત રન) સાવ સસ્તામાં આઉટ થઈ ગયા ત્યાર બાદ સુકાની અક્ષર પટેલ (15 રન) પણ લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો, પરંતુ ધાર્યા મુજબ ચોથા નંબરે રમનાર કેએલ રાહુલ (93 અણનમ, 53 બૉલ, છ સિક્સર, સાત ફોર) તથા ટ્રિસ્ટેન સ્ટબ્સ (38 અણનમ, 23 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની જોડીએ દિલ્હીને વિજય અપાવી જ દીધો હતો. રાહુલ સાત રન માટે સદી ચૂક્યો હતો, પણ દિલ્હી માટે તેણે મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું.

રાહુલ-સ્ટબ્સ વચ્ચે પાંચમી વિકેટ માટે પંચાવન બૉલમાં 111 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
આરસીબીના બોલર્સમાં ભુવનેશ્વર કુમાર (26 રનમાં બે વિકેટ) સૌથી સફળ હતો. સુયશ શર્મા અને યશ દયાલને એક-એક વિકેટ મળી હતી.

આરસીબીની ટીમ હવે પાંચમાંથી બે મૅચ હારી છે.
એ પહેલાં, દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ના કુલદીપ યાદવ (4-0-17-2) અને વિપ્રાજ નિગમ (4-0-18-2)ની સ્પિન જોડીએ આરસીબીની ટીમને ખૂબ સંયમમાં રાખી હતી જેને કારણે રજત પાટીદારની ટીમ 20 ઓવરમાં મહા મહેનતે સાત વિકેટે 163 રન બનાવી શકી હતી. આરસીબીનો એકેય બૅટર 40 રન પણ નહોતો કરી શક્યો. ઓપનર ફિલ સૉલ્ટ (37 રન, 17 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને ટિમ ડેવિડ (37 અણનમ, 20 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ના એકસરખા હાઇએસ્ટ રન હતા.

સોમવારે વાનખેડેમાં એમઆઇ સામે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમનાર કૅપ્ટન રજત પાટીદાર (પચીસ રન, 23 બૉલ, એક સિક્સર, એક ફોર) અને વિરાટ કોહલી (બાવીસ રન, 14 બૉલ, બે સિક્સર, એક ફોર)ની સાધારણ ઇનિંગ્સ આરસીબીના સાધારણ સ્કોર માટે જવાબદાર હતી. સૉલ્ટ રનઆઉટ થયો હતો, જ્યારે નિગમે વિરાટ ઉપરાંત કૃણાલની વિકેટ લીધી હતી. કુલદીપે પાટીદાર અને જિતેશ શર્માને પૅવિલિયન ભેગા કર્યા હતા.

દિલ્હીના છ બોલરમાં નિગમ અને કુલદીપ ઉપરાંત મુકેશ કુમાર અને મોહિત શર્માએ એક-એક વિકેટ લીધી હતી. મિચલ સ્ટાર્ક અને કૅપ્ટન અક્ષરને વિકેટ નહોતી મળી શકી.
દિલ્હીની હવે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) દિલ્હીમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે મૅચ રમાશે. આરસીબી એ જ દિવસે બપોરે જયપુરમાં રાજસ્થાન સામે રમશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button