વિરાટ-અનુષ્કા માસ્ક પહેરીને આવી પહોંચ્યા અમદાવાદમાં…
મંગળવારે બેંગલૂરુની ફાઇનલ: મુંબઈ અથવા પંજાબ સામે મુકાબલો

અમદાવાદ: આઈપીએલ (IPL) ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય સ્પર્ધા છે અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટની દુનિયામાં સૌથી મોટું છે અને આ ઐતિહાસિક સ્થળે આજે સાંજે 7.30 વાગ્યાથી મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે પ્લે-ઑફની ક્વૉલિફાયર-ટૂ મૅચ રમાશે એટલે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન આજે અમદાવાદ પર રહેશે. એટલું જ નહીં, મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામેની ફાઇનલ પણ આ જ મેદાન પર રમાવાની છે એટલે ત્રણ દિવસ સુધી દેશના દરેક રાજ્યના શહેરો અને ગામડાઓની ગલી-ગલીમાં અમદાવાદનું નામ ગુંજશે.
Virat Kohli and Anushka Sharma at Team Hotel after yesterday's win. pic.twitter.com/8bvMe7Jw4O
— Akshat Om (@AkshatOM10) May 30, 2025
આરસીબીની વાત નીકળી જ છે તો ખાસ જણાવી દઈએ કે એનો સુપરસ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલી અમદાવાદમાં પત્ની અનુષ્કા શર્મા સાથે શનિવારે આવી પહોંચ્યો હતો. બંનેએ અમદાવાદ ઍરપોર્ટ પર આગમન કર્યું ત્યારે તેમણે માસ્ક પહેરેલું હતું.

દેશમાં કોરોનાનો વાઇરસ ફરી એકવાર ઝલક બતાવી રહ્યો છે એટલે સૌકોઈ સાવધ થઈ ગયા છે.
આજે અમદાવાદની ક્વૉલિફાયર-ટૂમાં મુંબઈ અને પંજાબમાંથી જે ટીમ જીતશે એ મંગળવારે બેંગલૂરુ સામે સાંજે 7.30 વાગ્યાથી ફાઇનલમાં રમશે. આજે મુંબઈ જીતશે અને ફાઇનલમાં પહોંચશે અને જો ફાઇનલ જીતી જશે તો મુંબઈનું એ વિક્રમજનક છઠ્ઠા નંબરનું ટાઈટલ કહેવાશે. જો આજે મુંબઈ જીતી જશે અને ફાઇનલમાં બેંગલૂરુ સામે હારી જશે તો બેંગ્લૂરુના રૂપમાં આઈપીએલને નવું ચેમ્પિયન મળશે. જોકે આજે પંજાબને પણ જીતીને મંગળવારની ફાઇનલમાં બેંગ્લૂરુ સામે વિજય મેળવવાની સાથે નવું ચેમ્પિયન બનવાનો મોકો છે.
અનુષ્કાએ આઈપીએલમાં ઘણી મૅચો સ્ટેડિયમમાં બેસીને માણી હતી અને હવે પતિદેવને પહેલી વાર આઇપીએલનો ચેમ્પિયન બનતો જોવા માટે તેની સાથે અમદાવાદ આવી પહોંચી છે. બેંગ્લૂરુ ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે અને આ વખતે પહેલી વાર ટ્રોફી જીતવા માટે હૉટ-ફેવરિટ છે.
વિરાટ શનિવારે અમદાવાદ ઍરપોર્ટ પર આવ્યો ત્યારે બ્લૅક ટી-શર્ટ અને મૅચિંગ ડેનિમમાં તેમ જ ફેવરિટ કૅપમાં જોવા મળ્યો હતો. તેણે માસ્ક સતત પહેરી રાખ્યું હતું. અનુષ્કા વાઈટ લુઝ-ફિટેડ શર્ટમાં અને સ્ટ્રાઇપ્ડ બૉટમ્સમાં સજજ હતી. તેણે પણ માસ્ક પહેર્યું હતું અને હેરને પૉનીટેલમાં બાંધી રાખ્યા હતા.