IPL 2025

આઇપીએલની પ્લે-ઑફ અને ફાઇનલ ક્યાં રમાશે એ નક્કી થઈ ગયું

નિર્ણાયક મુકાબલા માટે ઘણા શહેરો હરીફાઈમાં હતાઃ જાણો, કયા શહેર પર કળશ ઢોળાયો…

નવી દિલ્હીઃ આઇપીએલ-2025 (IPL-2025)ની મંગળવાર, 27મી મેએ છેલ્લી લીગ મૅચ રમાઈ ગયા બાદ ગુરુવાર, 29મી મેએ ચાર મૅચનો પ્લે-ઑફ (play off) રાઉન્ડ શરૂ થશે અને એ પ્લે-ઑફ રાઉન્ડનું બાકી રહેલું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે.

ખાસ ખબર તો એ છે કે આ વખતની આઇપીએલની ત્રીજી જૂનની ફાઇનલ અમદાવાદ (Ahmedabad)માં રમાશે.
સુધારેલા શેડ્યૂલ મુજબ બીસીસીઆઇ (BCCI)એ પ્લે-ઑફની ચાર મૅચ માટે પંજાબનું મુલ્લાંપુર અને અમદાવાદ નક્કી કરી દીધા છે.

આપણ વાંચો: આઇપીએલ-2025માં પહેલી વાર બાંગ્લાદેશી ક્રિકેટરઃ જાણો, કઈ ટીમે કોને મેળવ્યો…

ફાઇનલ મૂળ તો કોલકાતામાં રમાવાની હતી, પણ હવે અમદાવાદના નામ પર મહોર લાગી ગઈ છે. ફાઇનલ માટે મુંબઈનું નામ પણ બોલાતું હતું, પણ અમદાવાદ પર કળશ ઢોળવામાં આવ્યો છે.

29મી મેની પ્રથમ પ્લે-ઑફ મૅચ (ક્વૉલિફાયર-વન) મુલ્લાંપુરમાં રમાશે. પછીના દિવસની (30મી મેની) બીજી પ્લે-ઑફ મૅચ (એલિમિનેટર) પણ મુલ્લાંપુરમાં જ રમાશે.

આ બે મૅચ બાદ આખા ક્રિકેટ જગતનું ધ્યાન અમદાવાદ તરફ ખેંચાશે, કારણકે પ્લે-ઑફની છેલ્લી બન્ને મૅચ અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આપવામાં આવી છે. આ સ્ટેડિયમમાં એક લાખ કરતાં પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે.

આપણ વાંચો: સૉલ્ટ-ડેવિડનો બાઉન્ડરી લાઇન કૅચ આઇપીએલ-2025નો બેસ્ટ કૅચ બની શકે…

પ્લે-ઑફની અંતિમ બે મૅચ એટલે કે ક્વૉલિફાયર-ટૂ અને ફાઇનલ. આ બન્ને મૅચ અમદાવાદમાં રમાશે. ક્વૉલિફાયર-ટૂ રવિવાર, પહેલી જૂને રમાશે, જ્યારે ફાઇનલ મંગળવાર, ત્રીજી જૂને રમાવાની છે.

ગુજરાત, બેંગલૂરુ અને પંજાબની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે. ચોથા અને આખરી સ્થાન માટે મુંબઈ અને દિલ્હી વચ્ચે હરીફાઈ થશે. મુંબઈ-દિલ્હી વચ્ચે બુધવાર, 21મી મેએ વાનખેડે સ્ટેડિયમમાં નિર્ણાયક મુકાબલો થશે.

ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન, કોલકાતા અને લખનઊની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે. દરમ્યાન, બેંગલૂરુમાં વરસાદનો માહોલ જામી ગયો હોવાથી શુક્રવાર, 23મી મેએ બેંગલૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે જે મૅચ રમાવાની હતી એ હવે એ જ દિવસે લખનઊમાં રમાશે. 27મી મેની લખનઊ સામેની મૅચ પણ (અગાઉ નક્કી થયા મુજબ) લખનઊ શહેરમાં જ રમાવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button