ફિલ સૉલ્ટ 1,000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ બ્રિટિશર…

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો ઓપનર ફિલ સૉલ્ટ (PHIL SALT) ગુરુવારે આઇપીએલમાં સૌથી ઝડપે 1,000 રન પૂરા કરનાર બ્રિટિશ બૅટ્સમૅન બન્યો હતો. તેણે 576 બૉલમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ગુરુવારે પંજાબ કિંગ્સ સામેની ક્વૉલિફાયર-વનમાં 27 બૉલમાં ત્રણ સિક્સર, છ ફોરની મદદથી અણનમ 56 રન કરીને બેંગલૂરુની જીત વધુ આસાન બનાવી હતી. પંજાબના 101 રન સામે બેંગલૂરુએ બે વિકેટે 106 રન કરીને વિજય મેળવવાની સાથે ચોથી વાર આઇપીએલ (IPL)ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આઇપીએલમાં રમી ચૂકેલા વિશ્વભરના બૅટ્સમેનોમાં તે ત્રીજા નંબરે છે. વેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ (545 બૉલ) પ્રથમ નંબરે અને ઑસ્ટ્રેલિયાનો ટ્રૅવિસ હેડ (575 બૉલ) બીજા નંબરે છે. સૉલ્ટે 1,000 આઇપીએલ રન ઝડપે પૂરા કરવામાં ઘણા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.
સૌથી ઝડપે (સૌથી ઓછા બૉલમાં) 1,000 રન પૂરા કરનારા ટોચના સાત બૅટ્સમેનમાં ભારતનો એકમાત્ર પ્લેયર (વીરેન્દર સેહવાગ) છે. તેણે 604 બૉલમાં 1,000 રન પૂરા કર્યા હતા. સાઉથ આફ્રિકાના હેન્રિક ક્લાસેને 594 બૉલમાં 1,000 રન કર્યા હતા.
ઑસ્ટ્રેલિયાના ગ્લેન મૅક્સવેલે 610 બૉલમાં 1,000 રન બનાવ્યા હતા, જ્યારે વેસ્ટ ઇન્ડિઝે ક્રિસ ગેઇલે 615 બૉલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.