IPL 2025

પંજાબની 11 વર્ષથી અધૂરી ઇચ્છા છે, શનિવારે પૂરી થશે?

ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં પંજાબ-દિલ્હીની મૅચ અધૂરી મૂકાઈ હતી, હવે નવેસરથી રમાશે

જયપુરઃ પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ 11 વર્ષ બાદ પહેલી વાર આઇપીએલની પ્લે-ઑફના ટૉપ-ટૂ સ્થાનમાં પહોંચવા મક્કમ છે અને એની સંભાવના શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચ જીતીને વધી શકે એમ છે. દિલ્હીની ટીમ પ્લે-ઑફથી વંચિત રહી ગઈ છે એટલે એણે શનિવારે હારી જતાં કંઈ જ નથી ગુમાવવાનું, પરંતુ અક્ષર પટેલની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ચૂકેલી શ્રેયસ ઐયરની ટીમને હરાવવા કોઈ જ કસર નહીં છોડે.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું એ પહેલાં આ જ બે ટીમ (પંજાબ-દિલ્હી)ની મૅચ 10.1 ઓવરમાં પંજાબે બનાવેલા 122 રનના સ્કોર સાથે અટકી પડી હતી અને પછી પડતી મૂકાઈ હતી. આ જ બે ટીમ વચ્ચે હવે શનિવારે ફરીથી મૅચ રમાશે.

2014માં પંજાબે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ કર્યું હતું અને પછી પ્રીટિ ઝિન્ટાની સહ-માલિકીવાળી આ ટીમ રનર-અપ રહી હતી. ત્યાર બાદ પંજાબની ટીમ ફક્ત એક વાર પ્લે-ઑફમાં પહોંચી હતી. જોકે 2024માં કોલકાતાને ટાઇટલ અપાવનાર શ્રેયસની ટીમ આ વખતે પંજાબને પણ ટ્રોફી અપાવશે તો નવાઈ નહીં લાગે.

ત્રણ દિવસ પહેલાં જ ચાર વિદેશી ખેલાડીઓ (માર્કસ સ્ટોઇનિસ, જૉશ ઇંગ્લિસ, આરૉન હાર્ડી, કાઇલ જૅમીસન) ભારતીય ટૅલન્ટેડ ખેલાડીઓવાળી પંજાબની ટીમ સાથે જોડાતાં આ ટીમ વધુ મજબૂત થઈ ગઈ છે.

પંજાબના 17 પૉઇન્ટ છે અને શનિવારની દિલ્હી સામેની મૅચ તેમ જ 26મીની મુંબઈ સામેની મૅચ જીતીને ટૉપ-ટૂ (top-2)માં પહોંચી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button