IPL 2025

સૂર્યાના રેકૉર્ડ-બ્રેક દેખાવ છતાં મુંબઈ હાર્યું, પંજાબ ટૉપ-ટૂમાં…

જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો અહીં સોમવારે સૂર્યકુમાર યાદવના રેકૉર્ડ-બ્રેક પર્ફોર્મન્સ છતાં પંજાબ કિંગ્સ (PBKS) સામે સાત વિકેટે પરાજય થતાં મુંબઈની ટીમ આઇપીએલ (IPL-2025)ના પ્લે-ઑફમાં ટોચના બે સ્થાનમાં સ્થાન જમાવવામાં નિષ્ફળ ગઈ હતી. પંજાબની ટીમ સૌથી વધુ 19 પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં પહોંચી ગઈ છે. હવે ગુજરાત કે બેંગલૂરુ, આ બેમાંથી એક ટીમ ટૉપ-ટૂમાં જશે. ટૉપ-ટૂમાં જનારી બે ટીમ વચ્ચે ક્વૉલિફાયર-વન મૅચ રમાશે જેમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે. મુંબઈએ હવે સીધા એલિમિનેટરમાં રમવું પડશે અને એમાં હારનારી ટીમ સ્પર્ધાની બહાર થઈ જશે.

મુંબઈની ટીમ ક્યારેય પણ ત્રીજા-ચોથા સ્થાને રહ્યા બાદ ટાઇટલ નથી જીતી. સોમવારે પંજાબે 185 રનનો લક્ષ્યાંક 18.3 ઓવરમાં 187/3ના સ્કોર સાથે મેળવી લીધો હતો. ઓપનર પ્રિયાંશ આર્ય (62 રન, 35 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (73 રન, 42 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) આ જીતના બે સૂત્રધાર હતા. તેમની વચ્ચે બીજી વિકેટ માટે 109 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર (26 અણનમ, 16 બૉલ, બે સિક્સર, એક ફોર) પંજાબને જિતાડીને રહ્યો હતો. ટીમની સહ-માલિક પ્રીટિ ઝિન્ટા આ વિજય બદલ ખૂબ ખુશ થઈ હતી.

મુંબઈના સાતમાંથી ફક્ત બે બોલર (બુમરાહ, સૅન્ટનર)ને અનુક્રમે એક અને બે વિકેટ મળી હતી. એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી મુંબઈએ સૂર્યકુમાર યાદવ (57 રન, 39 બૉલ, બે સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ ચાર બૅટ્સમેનના 20-પ્લસ રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરીને પંજાબને 185 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. સૂર્યકુમારે મુંબઈ ઇન્ડિયન્સના બૅટ્સમેનોમાં આઇપીએલની એક સીઝનમાં સૌથી વધુ રન કરવાનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો હતો.

સચિને 2009-’10ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી 618 રન કર્યા હતા. સૂર્યકુમારના નામે અત્યારે 640 રન છે.
રાયન રિકલ્ટન (27 રન, 20 બૉલ, પાંચ ફોર) અને રોહિત શર્મા (24 રન, 21 બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે 5.1 ઓવરમાં 45 રનની સાધારણ ભાગીદારી થયા બાદ રિકલ્ટન, રોહિત અને તિલક વર્મા (એક રન)ની વિકેટો પડી જતાં મુંબઈની ટીમ 87/3ના સ્કોર સાથે થોડી મુસીબતમાં આવી ગઈ હતી.

કૅપ્ટન હાર્દિક પંડ્યા (26 રન, 15 બૉલ, બે સિક્સર, બે ફોર)ની ટૂંકી છતાં આક્રમક ઇનિંગ્સ સાથે મુંબઈના સ્કોરમાં સાધારણ યોગદાન આપ્યું હતું. નમન ધીરે (20 રન, 12 બૉલ, બે સિક્સર) પણ થોડી આતશબાજી કરી દેખાડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button