હૈદરાબાદની 35 રનમાં પાંચ વિકેટ અને પછી ક્લાસેનનો કરિશ્મા…

હૈદરાબાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ આજે અહીં બૅટિંગ આપ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે શરૂઆતથી જ મોટો ધબડકો જોયો હતો, પરંતુ છેવટે એનો સ્કોર સન્માનજનક રહ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન કર્યા હતા. એક તબક્કે હૈદરાબાદનો સ્કોર 35 રનમાં પાંચ વિકેટ હતો. જોકે હિન્રિક ક્લાસેન (71 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર) સુપર ઇનિંગ્સ રમ્યો હતો. તે (HEINRICH KLASSEN) પાંચમા ક્રમે બૅટિંગમાં આવ્યો હતો અને અભિનવ મનોહર (43 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) સાથે તેણે છઠ્ઠી વિકેટ માટે 99 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી.
ક્લાસેને 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહના બૉલમાં તિલક વર્માના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછીની જ ઓવરમાં અભિનવ પોતાના 43 રનના સ્કોર પર ટ્રેન્ટ બૉલ્ટના બૉલમાં હિટવિકેટમાં વિકેટ ગુમાવી બેઠો હતો. મુંબઈના બોલર્સમાંથી ટ્રેન્ટ બૉલ્ટે સૌથી વધુ ચાર વિકેટ તેમ જ બૉલ્ટે બે અને બુમરાહ-હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી.
હૈદરાબાદે ખૂબ ખરાબ શરૂઆત કરી હતી. 13 રનમાં એની ચાર વિકેટ પડી ગઈ હતી. ટ્રૅવિસ હેડ (0), અભિષેક શર્મા (8), ઇશાન કિશન (1) અને નીતીશ રેડ્ડી (બે રન) સહિત આખો ટૉપ-ઑર્ડર પાંચમી ઓવરના પ્રથમ બૉલ સુધીમાં સાફ થઈ ગયો હતો.
એ પહેલાં હાર્દિકે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. એ સાથે, હાર્ડ-હિટર્સ ધરાવતી હૈદરાબાદની ટીમને પ્રથમ બૅટિંગમાં આતશબાજીથી તોતિંગ સ્કોર નોંધાવવાની તક મળી હતી, પરંતુ તેમણે એ મોકો ગુમાવ્યો હતો. દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સે પેસ બોલર અશ્વની કુમારના સ્થાને સ્પિનર વિજ્ઞેશ પુથુરને ટીમમાં સમાવ્યો હતો જેને વિકેટ નહોતી મળી શકી.
હૈદરાબાદની ટીમે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ઇલેવનમાં સ્થાન આપ્યું હતું અને મોહમ્મદ શમીને ઇમ્પૅક્ટ પ્લેયરની યાદીમાં રાખ્યો હતો.