IPL 2025

વાનખેડેમાં આજે મુંબઈ માટે આબરૂનો સવાલ: લખનઊને હૅટ-ટ્રિક વિજયથી વંચિત રાખવાનું જ છે…

જાણી લો, હેડ-ટુ-હેડમાં કોનો હાથ ઉપર છે: બપોરે 3:30 વાગ્યાથી જંગ

મુંબઈ: મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આજે બપોરે 3:30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો શરૂ થશે અને એમાં રિષભ પંતની ટીમ વધુ એક વિજય ન મેળવી લે એની હાર્દિક પંડ્યા એન્ડ ઇલેવને ખાસ સાવચેતી રાખવાની છે. સૌથી મોટું કારણ એ છે કે વાનખેડેમાં મુંબઈની ટીમ લખનઊ સામે બે મૅચ રમી છે અને એ બંનેમાં લખનઊનો વિજય થયો છે. જો આજે પણ લખનઊ જીતી જશે તો એણે સતત ત્રીજો વિજય મેળવ્યો કહેવાશે જે મુંબઈએ ટાળવાનું છે.

એકંદરે પણ લખનઊ સામે મુંબઈનો રેકોર્ડ બહુ ખરાબ છે. બંને ટીમ વચ્ચે કુલ સાત મૅચ રમાઈ છે જેમાંથી છ લખનઊએ અને માત્ર એક મુંબઈએ જીતી છે. જોકે વાનખેડેમાં તમામ હરીફ ટીમો સામે એમઆઈનો રેકોર્ડ ઘણો જ સારો છે. વાનખેડેમાં કુલ 89 મૅચ રમાઈ છે જેમાંથી 54 મૅચ મુંબઈની ટીમે અને 34 મૅચ હરીફ ટીમોએ જીતી છે. બાકીની એક મૅચ ટાઈ થઈ છે.

હાલમાં બંને ટીમ પાંચ-પાંચ જીત સાથે સરખી:
આઇપીએલ (IPL-2025)ની વર્તમાન સીઝનમાં મુંબઈ અને લખનઊ, બંને ટીમ નવ-નવ મૅચ રમી છે જેમાંથી બંનેનો પાંચ-પાંચ મૅચમાં વિજય થયો છે.

બંને ટીમના પાંચ-પાંચ મૅન ઑફ ધ મૅચ વિજેતા:
મુંબઈ અને લખનઊની ટીમે (બન્નેએ) આ વખતે જે પાંચ-પાંચ મૅચ જીતી છે એ દરેકમાં તેમણે પોતાનો અલગ-અલગ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ વિજેતા જોયો છે.
મુંબઈના પાંચ અવૉર્ડ વિજેતા: અશ્વની કુમાર, કર્ણ શર્મા, વિલ જેક્સ, રોહિત શર્મા અને ટ્રેન્ટ બોલ્ટ.
લખનઉના પાંચ અવૉર્ડ વિજેતા: શાર્દુલ ઠાકુર દિગ્વેશ રાઠી, નિકોલસ પૂરન, એઇડન માર્કરમ અને આવેશ ખાન.

મુંબઈની ખાસિયતો પર એક નજર…
મુંબઈની ટીમ છેલ્લી સતત ચારેય મૅચ જીતીને જબરદસ્ત ફોર્મમાં છે. રોહિત શર્મા બે મૅચથી પાછો ફૉર્મમાં આવી ગયો છે, સૂર્યકુમાર યાદવ પણ અસલ મિજાજમાં રમી રહ્યો છે, જસપ્રીત બુમરાહ પણ ડેથ ઓવર્સમાં હરીફોને ભારે પડી રહ્યો છે.

લખનઊને શું નડી રહ્યું છે?
લખનઊનો કેપ્ટન રિષભ પંત અને હાર્ડ-હિટર ડેવિડ મિલર આ વખતે હજી સુધી સારું રમ્યા જ નથી. લખનઊએ ગયા મહિને મુંબઈને હરાવ્યું હતું, પરંતુ એ મૅચમાં તિલક વર્માને છેલ્લી ઘડીએ રિટાયર્ડ આઉટ કરી દેવામાં આવ્યો હતો અને મુંબઈ હારી ગયું હતું. આજે તિલક અસલ મિજાજમાં ફરી રમતો જોવા મળી શકે.

વાનખેડેની પિચ શું કહે છે?
આ સીઝનમાં વાનખેડેમાં ચારેય મૅચ રાત્રે રમાઈ, પરંતુ આજે ડે-મેચ છે. એ ચારેય મૅચમાં મુંબઈએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. એ ચારમાંથી ત્રણ મૅચમાં મુંબઈનો વિજય થયો હતો. આજની મૅચ અસહ્ય ગરમીના વાતાવરણમાં રમાશે એટલે બંને ટીમની વ્યૂહરચના અગાઉ કરતાં અલગ હશે.


બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઇલેવન:

મુંબઈ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ અને 12મો પ્લેયર: વિજ્ઞેશ પુથુર.

લખનઊ: રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), એઈડન માર્કરમ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, દિગ્વેશ રાઠી, આવેશ ખાન અને 12મો પ્લેયર: પ્રિન્સ યાદવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button