વાનખેડેમાં મુંબઈ-ગુજરાતનો મુકાબલો, જે જીતશે એ પ્લે-ઑફમાં લગભગ ફિક્સ

મુંબઈઃ વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મંગળવાર, છઠ્ઠી મેએ (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે રમાનારી મૅચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ ધાર્યા કરતાં વધુ મજબૂત થઈને મેદાન પર ઊતરશે, કારણકે એ ટીમમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (KAGISO RABADA)નું પુનરાગમન થયું છે. જાન્યુઆરીમાં પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું એ બદલ રબાડાના રમવા પર પ્રતિબંધ લાગુ કરાયો હતો. જોકે એ તબક્કો પૂરો કરીને તે પાછો ભારત આવી ગયો છે અને મંગળવારે મુંબઈ સામેની મૅચમાં રમશે એવી પાકી સંભાવના છે. આ મૅચ જીતનારી ટીમ પ્લે-ઑફમાં સ્થાન લગભગ પાકું કરી લેશે.
મુંબઈ અને ગુજરાત 14-14 પૉઇન્ટ સાથે 10 ટીમના પૉઇન્ટ્સ ટેબલમાં અનુક્રમે ત્રીજા અને ચોથા નંબરે છે. બેંગલૂરુની ટીમ 16 પૉઇન્ટ સાથે પહેલા નંબરે અને પંજાબની ટીમ 15 પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે. ચારેય ટીમમાં મુંબઈનો નેટ રનરેટ (+1.274) સર્વશ્રેષ્ઠ છે.
મુંબઈ અને ગુજરાતની ટીમ પ્લે-ઑફમાં પહોંચવા માટે ફેવરિટ છે.
પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમની મંગળવારની અને ત્યાર પછીની મૅચ વાનખેડેમાં છે. આ હોમ-ગ્રાઉન્ડ પર મુંબઈ પાંચમાંથી ચાર મૅચ જીતી ચૂકી છે.
આઇપીએલ-2025ના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાં ટોચના છ સ્થાનમાંથી ત્રણ ગુજરાત ટાઇટન્સના છે અને એક જ મુંબઈ ઇન્ડિયન્સનો છે. ગુજરાતના આ ત્રણ બૅટ્સમેનોમાં સાઇ સુદર્શન (504 રન), જૉસ બટલર (470 રન) અને શુભમન ગિલ (465 રન)નો સમાવેશ છે. મુંબઈના સૂર્યકુમાર યાદવે 475 રન કર્યા છે.
ટોચના પાંચ બોલર્સમાં એક ગુજરાતનો (પ્રસિદ્ધ ક્રિષ્ના-19 વિકેટ) અને એક મુંબઈનો (ટ્રેન્ટ બૉલ્ટ-16 વિકેટ) છે