IPL 2025

લખનઊના ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા બાદ પંજાબના ટોચના બૅટ્સમેનની ફટકાબાજી…

લખનઊઃ અહીં આજે આઈપીએલ (IPL-2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મૅચમાં ખરાબ શરૂઆત કરી હતી અને બે સાધારણ ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. એકંદરે, લખનઊના બૅટ્સમેનને પંજાબના બોલર્સે કાબૂમાં રાખ્યા હતા. ત્યાર બાદ પંજાબે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં 13મી ઓવરમાં માત્ર બે વિકેટે 125 રન બનાવી લીધા હતા. ઓપનર પ્રભસિમરન સિંહ 69 રને અને કૅપ્ટન શ્રેયસ ઐયર 35 રને રમી રહ્યો હતો.

એ પહેલાં, લખનઊના નિકોલસ પૂરને (44 રન, 30 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને આયુષ બદોની (41 રન, 33 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી જો ન થઈ હોત તો લખનઊના 100 રન પણ મુશ્કેલીથી બન્યા હોત. લખનઊમાં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર ફાસ્ટ બોલર્સને બહુ સારા બાઉન્સ મળતા હતા અને એની મદદથી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 43 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. લૉકી ફર્ગ્યુસન, ગ્લેન મૅક્સવેલ, માર્કો યેનસેને તેમ જ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 206 વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી.

27 કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલા રિષભ પંતની લખનઊની ટીમને અંકુશમાં રાખવામાં પંજાબની ટીમના કૅપ્ટન અને 26.75 કરોડ રૂપિયાના બીજા નંબરના સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલા શ્રેયસ ઐયરે ફીલ્ડિંગની ગોઠવણમાં તેમ જ બોલિંગમાં જે ફેરફાર કર્યા એનું પણ મહત્ત્વનું યોગદાન હતું.

રિષભ પંત (બે રન) ફરી એક વાર બૅટિંગમાં ફ્લૉપ ગયો હતો. મૅક્સવેલના બૉલને તે સ્ક્વેરના સ્થાનની પાછળ ભાગમાં મોકલવા ગયો ત્યાં તો શૉર્ટ ફાઇન લેગ પર ઊભેલા યુઝવેન્દ્ર ચહલે તેનો કૅચ ઝીલી લીધો હતો. ઓપનર એઇડન માર્કરમે 28 રન બનાવ્યા હતા. એ પહેલાં મિચલ માર્શ (0) તેના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. ડેવિડ મિલરે 19 રન બનાવ્યા હતા, જ્યારે અબ્દુલ સામદે (27 રન, 12 બૉલ, બે સિક્સર, બે ફોર) લખનઊના સ્કોરને થોડો સન્માનજનક સ્થિતિમાં લાવી દીધો હતો. શાર્દુલ ત્રણ રને અણનમ રહ્યો હતો.

આપણ વાંચો : દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button