IPL 2025ટોપ ન્યૂઝ

લખનઊ સામેના થ્રિલરમાં મુંબઈ હાર્યું…

હાર્દિકનું પાંચ વિકેટનું પરાક્રમ પાણીમાં, બૅટિંગથી ન જિતાડી શક્યો

લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ અહીં શુક્રવારે હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેના થ્રિલરમાં 12 રનથી વિજય મેળવ્યો હતો. હાર્દિક પંડ્યાના સુકાનમાં એમઆઇની ટીમ 204 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે પાંચ વિકેટે 191 રન બનાવી શકી હતી. એમઆઇએ મેળવી શકાય એવો લક્ષ્યાંક મુશ્કેલ બનાવી દીધો હતો. મૂળ મુંબઈના અને લખનઊના બોલર શાર્દુલની 19મી ઓવર એમઆઇને નડી હતી. એ ઓવરમાં ફક્ત સાત રન થયા હતા અને આવેશ ખાનની 20મી ઓવરમાં એમઆઇએ બાવીસ રન બનાવવાના હતા જે નહોતા બની શક્યા. હાર્દિક પંડ્યા (28 અણનમ, 16 બૉલ, એક સિક્સર, બે ફોર) સૅન્ટનર (બે રન) સાથે અણનમ રહ્યો હતો. હાર્દિકે આવેશના ત્રીજા બૉલમાં રન દોડવાનો ઇનકાર કરીને વિચિત્ર નિર્ણય લીધો હતો.

આકાશ દીપની ઓવરમાં સૂર્યકુમાર યાદવ (67 રન, 43 બૉલ, એક સિક્સર, નવ ફોર) પિચમાં વચ્ચે તિલક સાથે ભેગા થઈ ગયા બાદ રનઆઉટ થતાં બચી ગયો, પણ પછીથી આવેશ ખાનના બૉલમાં વિચિત્ર સ્ટાઇલમાં સિક્સર મારવાના પ્રયાસમાં અબ્દુલ સામદને કૅચ આપી બેઠો હતો. તિલક વર્મા સાથે તેની 66 રનની ભાગીદારી થઈ હતી. તિલકને તેના પચીસમા રને `રિટાયર્ડ આઉટ’ કરવામાં આવ્યો હતો અને સૅન્ટનરને બૅટિંગની તક અપાઈ હતી.

રોહિત શર્મા ઘૂંટણની ઈજાને લીધે આ મૅચમાં નહોતો રમ્યો. વિલ જૅક્સ (પાંચ રન) અને રાયન રિકલ્ટન (10 રન)ની ઓપનિંગ જોડી સારું રમવામાં નિષ્ફળ રહ્યા બાદ નમન ધીરે (46 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ સાથે 69 રનની ભાગીદારી કરી હતી. જોકે લખનઊના જાદુઈ સ્પિનર દિગ્વેશ રાઠીએ ધીરને ક્લીન બોલ્ડ કરીને એ જોડી તોડી હતી.

આઇપીએલમાં શરૂઆતની ઘણી મૅચો લો-સ્કોરિંગ રહ્યા બાદ હવે ધીમે-ધીમે હાઈ-સ્કોરિંગ થઈ રહી છે અને એમાંના એક મુકાબલામાં ગઈ કાલે એલએસજીએ એમઆઇ સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 203 રન બનાવ્યા હતા. એક તરફ લખનઊ માટે બન્ને ઓપનર મિચલ માર્શ (60 રન, 31 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને એઇડન માર્કરમ (53 રન, 38 બૉલ, ચાર સિક્સર, બે ફોર) 76 રનની ભાગીદારી સાથે આધારસ્તંભ બની ગયા ત્યાં બીજી બાજુ એમઆઇ વતી કૅપ્ટન હાર્દિક પંડ્યા (4-0-36-5)એ તરખાટ મચાવ્યો હતો.

હાર્દિકે હરીફ સુકાની રિષભ પંત (બે રન) ઉપરાંત એઇડન માર્કરમ તેમ જ હાર્ડ-હિટર નિકોલસ પૂરન (12 રન), ડેવિડ મિલર (27 રન, 14 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) તેમ જ આકાશ દીપ (0)ની વિકેટ લીધી હતી.

ઓપનર માર્શની મહત્ત્વપૂર્ણ વિકેટ યુવાન સ્પિનર વિજ્ઞેશ પુથુરે લીધી હતી. પુથુરે પોતાના જ બૉલમાં માર્શનો કૅચ ઝીલી લીધો હતો.
આયુષ બદોની (30 રન, 19 બૉલ, ચાર ફોર)ની વિકેટ 31મી માર્ચના કેકેઆર સામેના મૅચ-વિનિંગ પેસ બોલર અશ્વની કુમારે લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button