મેદાન પર વરસાદમાં ટિમ ડેવિડની બાળકો જેવી મસ્તી…

બેંગલૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી (M. CHINNASWAMI) સ્ટેડિયમમાં શનિવારે સાંજે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે જે મૅચ રમાવાની છે એમાં મેઘરાજા વિઘ્નો ઊભા કરશે એવી આગાહી છે તો ખરી, પરંતુ વરસાદને કારણે પરેશાન થવાની ચિંતા વચ્ચે ખેલાડીઓ વરસાદમાં મોજ માણવાની તક પણ ક્યારેક છોડતા નથી હોતા. આરસીબીના ઑલરાઉન્ડર ટિમ ડેવિડની જ વાત કરીએ.
આ મેદાન પર પ્રૅક્ટિસ દરમ્યાન વરસાદ પડતાં ટિમ ડેવિડ (TIM DAVID) સાથી ખેલાડીઓ ભેગો પૅવિલિયનમાં પાછો તો ગયો, પણ થોડી વારમાં પાછો આવ્યો અને ટી-શર્ટ કાઢીને વરસાદમાં નહાવાની મજા માણવા લાગ્યો હતો. તે મેદાન પર ભરાયેલા પાણીમાં લોટપોટ થઈ ગયો હતો.
ડેવિડ મેદાનની વચ્ચોવચ્ચ આવી ગયો અને ભરાયેલા પાણીમાં નહાવાની સાથે ડાઇવ મારવા લાગ્યો હતો અને બાળકોની જેમ ધોધમાર વરસાદ (RAIN)માં ભીના થવાની મજા પણ માણવા લાગ્યો હતો. તેને આ રીતે નહાતો જોઈને બાકીના ખેલાડીઓ હસવા લાગ્યા હતા. કેટલાકે તો ડેવિડે ચોક્કા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હોય એ રીતે તાળી પાડીને તેનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.
બેંગલૂરુમાં થોડા દિવસથી લગભગ રોજ વરસાદ પડે છે. જોકે આખા દેશમાં વહેલા વરસાદનું (કમોસમી વરસાદનું) વાતાવરણ છે. શનિવારે વરસાદને કારણે કોલકાતા સામેની મૅચ રદ થશે અને આરસીબીને એક પૉઇન્ટ મળશે તો પણ રજત પાટીદાર ઍન્ડ કંપનીને કોઈ ખેદ નહીં હોય, કારણકે આ ટીમ પ્લે-ઑફમાં પહોંચવાની અણી પર જ છે અને એને એ એક પૉઇન્ટ પણ ઘણો કામ લાગશે. બીજી તરફ, કોલકાતા આ મૅચ હારશે અથવા ફક્ત એક પૉઇન્ટ મેળવશે તો સ્પર્ધાની બહાર થઈ શકે એમ છે.