IPL 2025

ધોનીએ મેદાન પર ઉતરતાં જ રચ્યો ઇતિહાસ…

ચેન્નઈઃ 43 વર્ષનો મહેન્દ્રસિંહ ધોની (MS DHONI) બે વર્ષ પહેલાં ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ ઘૂંટણના દુખાવા છતાં આઇપીએલની 18મી સીઝન રમી રહ્યો છે એ બહુ કહેવાય ત્યાં તેણે ઈજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં સીએસકે (CSK)ની કૅપ્ટન્સી સંભાળવી પડી રહી છે. જોકે આ જૂની ને જાણીતી જવાબદારી સંભાળવામાં આ વખતે તેણે એક વિક્રમ રચી દીધો છે. તેણે શુક્રવારે ચેન્નઈમાં એમ. ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર ઊતરતાં જ નવો ઇતિહાસ રચ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામેની આ મૅચ આઇપીએલ (IPL)ની 18મી સીઝનની પચીસમી મૅચ હતી અને ધોની આ ટૂર્નામેન્ટમાં અનકૅપ્ડ પ્લેયર તરીકે રમી રહ્યો છે. અનકૅપ્ડ પ્લેયર એટલે કે પોતાના દેશ વતી આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય એવા ઘણા ખેલાડીઓ આઇપીએલમાં રમી ચૂક્યા છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાંચ વર્ષ પહેલાં છોડી દીધી હતી એટલે બીસીસીઆઇના નિયમ મુજબ તે આ વખતની આઇપીએલમાં અનકૅપ્ડ પ્લેયર તરીકે રમી રહ્યો છે.

ધોની આઇપીએલની ટીમની કૅપ્ટન્સી સંભાળનાર પ્રથમ અનકૅપ્ડ પ્લેયર બન્યો છે. અગાઉ ધોનીને સીએસકે પાસેથી એક સીઝન રમવાના 15 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા મળતા હતા, પરંતુ અનકૅપ્ડ પ્લેયર તરીકે તે ચાર કરોડ રૂપિયામાં રમવા તૈયાર થઈ ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button