કોલકાતાને ટૉપ-ઑર્ડરે 200-પ્લસનો સ્કોર અપાવ્યો…

નવી દિલ્હીઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં બૅટિંગ મળ્યા પછી નવ વિકેટે 204 રન કર્યા હતા. ખાસ કરીને કોલકાતાનો ટૉપ-ઑર્ડર સાવ ફ્લૉપ રહેવાને બદલે સાધારણ રમ્યો એને લીધે ટીમનો સ્કોર 200 રનને પાર ગયો હતો. જોકે મિડલ-ઑર્ડર નિષ્ફળ ગયો હતો.
દિલ્હી કૅપિટલ્સ (DC) વતી મિચલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ કૅપ્ટન અક્ષર પટેલ તથા વિપ્રજ નિગમે બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ દુષ્મંથા ચમીરાને મળી હતી. કોલકાતાની ટીમમાં પાંચ બૅટ્સમેને પચીસથી વધુ રન કર્યા હતા, પરંતુ એમાંથી એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. અંગક્રિશ રઘુવંશી (44 રન, 32 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નું યોગદાન ટીમમાં હાઇએસ્ટ હતું. રઘુવંશી (ANGAKRISH RSGHUVANSHI) ઉપરાંત નાના યોગદાન આપનાર અન્ય ચાર બૅટ્સમેનમાં રિન્કુ સિંહ (36 રન), ઓપનર રહમનુલ્લા ગુરબાઝ (26 રન), સુનીલ નારાયણ (27 રન) અને કૅપ્ટન અજિંક્ય રહાણે (26 રન)નો સમાવેશ હતો.
દિલ્હી સામે કોલકાતાના સુનીલ નારાયણ અને રહમનુલ્લા ગુરબાઝની ઓપનિંગ જોડીએ પણ જોરદાર આરંભ કર્યો હતો. ગુરબાઝે મિચલ સ્ટાર્કના પહેલા જ બૉલમાં ફોર ફટકારીને શરૂઆત કરી હતી. જોકે તે એક સિક્સર અને પાંચ ફોરની મદદથી 26 રન બનાવીને 48 રનના કુલ સ્કોર પર મિચલ સ્ટાર્કના બૉલમાં વિકેટકીપર અભિષેક પોરેલને કૅચ આપી બેઠો હતો.