કોલકાતાએ જીતીને દિલ્હીને ફરી નંબર-વન થતા રોક્યું…

નવી દિલ્હીઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમને 14 રનથી હરાવી દીધી હતી. કોલકાતાના 204/9 સામે દિલ્હીએ 9 વિકેટે 190 રન કર્યા હતા. કોલકાતાની ટીમ આ મૅચ પહેલાં છેલ્લી છમાંથી ચાર મૅચમાં હારી ગઈ હતી અને માત્ર બે જીતી હતી. જોકે દિલ્હી સામે એની આ વખતની આઈપીએલ (IPL-2025)માં પહેલી જ મૅચ હતી જેમાં જીતીને દિલ્હીની ટીમને પૉઇન્ટ્સમાં ફરી નંબર-વન થતા રોકી હતી. અક્ષર પટેલની ટીમ હજીયે ચોથા સ્થાને અને કોલકાતા સાતમા ક્રમે છે.
ફાફ ડુ પ્લેસી (62 રન, 45 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને કૅપ્ટન અક્ષર પટેલ (43 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ના સાધારણ યોગદાન સિવાય દિલ્હીની ઇનિંગ્સમાં મિડલમાં બીજા કોઈનું સારું યોગદાન નહોતું. વિપ્રજ નિગમ (38 રન, 19 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની છેલ્લી ઘડીની આતશબાજી નિરર્થક બની હતી. 16મી ઓવરમાં દિલ્હીના 146 રને ડુ પ્લેસી આઉટ થતાં બાજી કોલકાતાના હાથમાં આવી ગઈ હતી. કેએલ રાહુલ સાત રને રનઆઉટ થયો હતો. કોલકાતાનો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ (27 રન, એક રનઆઉટ અને 29 રનમાં ત્રણ વિકેટ) આ મૅચનો સુપરહીરો હતો. વરુણ ચક્રવર્તીએ સતત બે બૉલમાં બે વિકેટ લીધી હતી. રસેલ, અનુકૂલ, વૈભવને એક-એક વિકેટ મળી હતી.
એ પહેલાં, કોલકાતાનો ટૉપ-ઑર્ડર સાવ ફ્લૉપ રહેવાને બદલે સાધારણ રમ્યો એને લીધે ટીમનો સ્કોર 200 રનને પાર ગયો હતો. જોકે મિડલ-ઑર્ડર નિષ્ફળ ગયો હતો. દિલ્હી કૅપિટલ્સ (ડીસી) વતી મિચલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કોલકાતાની ટીમમાં પાંચ બૅટ્સમેને પચીસથી વધુ રન કર્યા હતા, પરંતુ એમાંથી એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. અંગક્રિશ રઘુવંશી (44 રન, 32 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નું યોગદાન ટીમમાં હાઇએસ્ટ હતું. નાના યોગદાન આપનાર અન્ય ચાર બૅટ્સમેનમાં રિન્કુ સિંહ (36 રન), ઓપનર રહમનુલ્લા ગુરબાઝ (26 રન), સુનીલ નારાયણ (27 રન) અને કૅપ્ટન અજિંક્ય રહાણે (26 રન)નો સમાવેશ હતો.
બુધવારે કઈ મૅચ?
ચેન્નઈ વિરુદ્ધ પંજાબ
ચેન્નઈમાં, સાંજે 7.30