IPL 2025

મુંબઈ જીત્યું, પંજાબ સામે રવિવારે `સેમિ ફાઇનલ’ રમશેઃ ગુજરાત આઉટ…

`નસીબદાર' રોહિતના ધમાકેદાર 81 સામે સદાબહાર સુદર્શનના 80 રન પાણીમાં

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT)ને આઇપીએલના રોમાંચક એલિમિનેટર મુકાબલામાં 20 રનથી હરાવીને ક્વૉલિફાયર-ટૂ (QUALIFIER 2)માં પ્રવેશ કર્યો હતો જેમાં અમદાવાદમાં રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. એ મૅચની વિજેતા ટીમ મંગળવારે અમદાવાદમાં જ બેંગલૂરુ સામે ફાઇનલમાં રમશે.

BCCI

પાંચ ટાઇટલ જીતનાર મુંબઈએ પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન કર્યા હતા જેના જવાબમાં 2022ના ચૅમ્પિયન ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટે 208 રન કર્યા હતા. ઓપનર સાઇ સુદર્શન (80 રન, 49 બૉલ, એક સિક્સર, દસ ફોર) અને વૉશિંગ્ટન સુંદર (48 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની 44 બૉલમાં થયેલી 84 રનની ભાગીદારી એળે ગઈ હતી. ગુજરાતે 20મી ઓવરમાં જીતવા 24 રન કરવાના હતા અને ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના નવા ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસને પહેલા ત્રણ બૉલમાં ગુજરાતને માત્ર બે રન આપ્યા હતા અને મુંબઈને જીતની લગોલગ પહોંચાડ્યું હતું. ત્યાર બાદ ગ્લીસન ઈજાને લીધે પાછો જતો રહેતાં અશ્વની કુમારે તેની ઓવર પૂરી કરી હતી. એમાં અશ્વનીએ એમ. શાહરુખ ખાન (13 રન)ની વિકેટ લીધી હતી. મુંબઈ વતી ટ્રેન્ટ બૉલ્ટે બે તેમ જ બુમરાહ, ગ્લીસન, સૅન્ટનર અને અશ્વનીએ એક-એક વિકેટ લીધી હતી. એક તબકકે ગુજરાતે 42 બૉલમાં 81 રન કરવાના હતા, પણ છેવટે ગુજરાતે પરાજય જોવો પડ્યો.

બુમરાહના યૉર્કરમાં વૉશિંગ્ટન બોલ્ડઃ
બુમરાહે વૉશિંગ્ટન સુંદરને ગજબ રીતે ક્લીન બોલ્ડ કર્યો હતો. બુમરાહના કલાકે 143 કિલોમીટરની ઝડપવાળા યૉર્કરમાં વૉશિંગ્ટને સ્ટાન્સ ખોલી આપ્યું હતું, તેણે સમતોલપણું ગુમાવ્યું હતું, તેના બે પગ પહોળા થઈ જતાં નીચે પડ્યો હતો અને તેના પેટ પર શરીરનું બધુ વજન આવી ગયું હતું. બૉલ વૉશિંગ્ટનના બૅટના તળિયાના ભાગને અડીને સ્ટમ્પ્સમાં જતો રહ્યો હતો. તે બુમરાહના યૉર્કર સામે જાણે સાવ ઝૂકી ગયો હતો. વૉશિંગ્ટન અને સુદર્શન વચ્ચે 44 બૉલમાં ત્રીજી વિકેટ માટે 84 રનની શાનદાર ભાગીદારી થઈ હતી.

BCCI

સુદર્શને ખરા સમયે સ્કૂપમાં વિકેટ ગુમાવીઃ
આખી ટૂર્નામેન્ટમાં સૌથી સારું રમેલા અને સીઝનમાં સૌથી વધુ 757 રન કરીને ઑરેન્જ કૅપ મેળવનાર ઓપનર સાઇ સુદર્શને કટોકટીના સમયે નવા ફાસ્ટ બોલર રિચર્ડ કગ્લીસનના બૉલમાં ફેવરિટ સ્કૂપ શૉટ મારવાના નિષ્ફળ પ્રયાસમાં ક્લીન બોલ્ડમાં વિકેટ ગુમાવી દીધી હતી. તેણે ખરા સમયે જાણે વિકેટ ફેંકી દીધી હતી.

BCCI

એ પહેલાં, રોહિત શર્મા (81 રન, 50 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) બે જીવતદાનની મદદથી મુંબઈની ટીમને સૌથી વધુ યોગદાન આપવામાં સફળ થયો હતો. તેની અને ટીમમાં નવા પ્રવેશેલા ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉની બેરસ્ટૉ (47 રન, 22 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) વચ્ચે ફક્ત 7.2 ઓવરમાં 84 રનની ભાગીદારી થઈ હતી અને એ સાથે તેમણે મુંબઈના સંભવિત વિજય માટેનો પાયો નાખી આપ્યો હતો. રોહિતને ત્રણ અને 12 રનના સ્કોર પર જીવતદાન મળ્યું હતું. તેનો કૅચ છૂટ્યો હતો.

ગુજરાતના સિરાજની 18મી ઓવરમાં મુંબઈના બૅટ્સમેનો ફક્ત 10 રન અને પ્રસિદ્ધ ક્રિષ્નાની 19મી ઓવરમાં માત્ર આઠ રન કરી શક્યા હતા, પરંતુ 20મી ઓવર જે જેરાલ્ડ કૉએટ્ઝીને અપાઈ હતી એમાં બાવીસ રન બનતાં સિરાજ-ક્રિષ્નાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. કૉએટ્ઝીની છેલ્લી ઓવરમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા (બાવીસ અણનમ, નવ બૉલ, ત્રણ સિક્સર)એ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ગુજરાતને છેલ્લે કૉએટ્ઝીવાળી ઓવરના આ બાવીસ રન ભારે પડ્યા હતા.

એ અગાઉ, સૂર્યકુમાર યાદવ (33 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)નું સાધારણ યોગદાન હતું. મુંબઈના ટોચના તમામ છ બૅટસમેનોએ છગ્ગા ફટકાર્યા હતા અને એમાં તિલક વર્મા (પચીસ રન, 11 બૉલ, ત્રણ સિક્સર) તથા નમન ધીર (નવ રન, છ બૉલ, એક સિક્સર)નો પણ સમાવેશ હતો. બે `હાફ સેન્ચુરી’ ગુજરાતના બોલર્સના નામે હતી. ક્રિષ્નાને 53 રનમાં બે વિકેટ મળી હતી અને કૉએટ્ઝીને 51 રનમાં વિકેટ નહોતી મળી. સાઇ કિશોરે 42 રનમાં બે તેમ જ સિરાજે 37 રનમાં એક વિકેટ લીધી હતી. આ વખતની સીઝનમાં ફ્લૉપ રહેલા રાશીદ ખાનને 31 રનમાં વિકેટ નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button