
હૈદરાબાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ રવિવારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની યજમાન ટીમને 20 બૉલ બાકી રાખીને સાત વિકેટે હરાવીને ચાર મૅચમાં ત્રીજો વિજય મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 152 રન બનાવ્યા ત્યાર બાદ ગુજરાતે 16.4 ઓવરમાં ત્રણ વિકેટે 153 રનનો લક્ષ્યાંક ખૂબ આસાનીથી હાંસલ કરી લીધો હતો.
જીટીએ લાગલગાટ ત્રીજો વિજય હાંસલ કર્યો છે. એસઆરએસની ટીમે સતત ચોથી હાર જોવી પડી છે અને આઈપીએલ (IPL 2025)ના ટેબલમાં સાવ તળિયે છે. જીટીને પહેલાં તો પેસ બોલર મોહમ્મદ સિરાજ (4-0-17-4)એ જીતનો મજબૂત પાયો નાખી આપ્યો હતો અને ત્યાર બાદ ઓપનર સાઇ સુદર્શન (પાંચ રન) તથા જૉસ બટલર (0) સારું રમવામાં નિષ્ફળ ગયા ત્યાર બાદ વૉશિંગ્ટન સુંદરે (49 રન, 29 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) જીટી વતી રમવાનો મળતાં જ પોતાની ભૂતપૂર્વ ટીમ (હૈદરાબાદ)ને (બોલિંગ ન કરવા મળી તો) બૅટિંગમાં તાકાત બતાવી દીધી હતી.
તેણે કૅપ્ટન શુભમન ગિલ (61 અણનમ, 43 બૉલ, નવ ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. ગિલ સાથે રુધરફર્ડ (35 અણનમ, 16 બૉલ, એક સિક્સર, છ ફોર) છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો અને 47 રનની પાર્ટનરશિપ કરી હતી.
હૈદરાબાદના સાત બોલરમાંથી મોહમ્મદ શમીને બે અને પૅટ કમિન્સને એક વિકેટ મળી શકી હતી. એ પહેલાં, 2024માં ધમાકેદાર બૅટિંગ માટે પ્રતિભાશાળી મનાતી હૈદરાબાદની ટીમનો ટૉપ-ઑર્ડર ફરી એકવાર ફ્લૉપ ગયો હતો.
ગુજરાતના મોહમ્મદ સિરાજને આઇપીએલમાં 100 વિકેટનો આંકડો પૂરો કરવા ફક્ત બે વિકેટની જરૂર હતી અને તેણે એ સિદ્ધિ મેળવ્યા બાદ બીજી બે વિકેટ લીધી હતી. સિરાજ ઉપરાંત બીજા પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પચીસ રનમાં બે વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર સાઇ કિશોરે 24 રનમાં બે વિકેટ લીધી હતી.
ઇશાંત શર્માને 53 રનમાં અને રાશીદ ખાનને 31 રનમાં વિકેટ નહોતી મળી. હૈદરાબાદની બહુ વખણાયેલી બૅટિંગ લાઇન-અપ ફરી એક વાર પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી. ઓપનર અભિષેક શર્મા (18 રન), ટ્રૅવિસ હેડ (8 રન), ઇશાન કિશન (17 રન), નીતીશ કુમાર રેડ્ડી (31 રન) અને હિન્રિક ક્લાસેન (27) લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા. અનિકેત વર્મા 18 રન અને કામિન્ડુ મેન્ડિસ એક રન બનાવીને આઉટ થયો હતો. કૅપ્ટન પૅટ કમિન્સ બાવીસ રને અણનમ રહ્યો હતો, પણ તેને લાંબો સમય સાથ આપવા માટે કોઈ પણ બૅટર ક્રીઝ પર લાંબો સમય નહોતો ટક્યો.
ગુજરાતના પેસ બોલર મોહમ્મદ સિરાજ (17 રનમાં ચાર વિકેટ) અને હૈદરાબાદના પેસ બોલર મોહમ્મદ શમી (28 રનમાં બે વિકેટ) વચ્ચે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ થઈ હતી જેમાં સિરાજ મેદાન મારી ગયો હતો. મોહમ્મદ શમી 2023માં ગુજરાત વતી રમ્યો હતો અને વિકેટ લેનાર બોલર્સમાં મોખરે હતો. આ વખતે તે હૈદરાબાદની ટીમમાં છે અને રવિવારે ગુજરાત સામે રમ્યો હતો.
હૈદરાબાદમાં આ જ સ્થળે ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે જાન્યુઆરી, 2023માં ભારત વતી ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડેમાં ડબલ સેન્ચુરી (208 રન, 149 બૉલ, 9 સિક્સર, 19 ફોર) ફટકારી હતી. આજે (રવિવારે) તે 61 રને અણનમ રહ્યો હતો.
આપણ વાંચો : NZ vs PAK: ત્રીજી ODIમાં હાર બાદ પાકિસ્તાનનો આ ખેલાડી દર્શકને મારવા દોડ્યો, જાણો શું છે મામલો