IPL 2025

ગુજરાત વિરુદ્ધ દિલ્હીઃ અમદાવાદમાં બે બળિયા વચ્ચે ટક્કર…

શનિવારે બપોરે 3.30 વાગ્યાથી આશરે 38 સેલ્સિયસ તાપમાનમાં મુકાબલો

અમદાવાદઃ આઇપીએલમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે (શનિવાર, 19મી એપ્રિલે બપોરે 3.30 વાગ્યાથી) પૉઇન્ટ્સ-ટેબલની ટોચની બે ટીમ વચ્ચે જંગ ખેલાશે. શુક્રવાર સાંજ સુધી આ વખતની સીઝનના તમામ બોલર્સમાં ટોચ પર 12 વિકેટ સાથે ચેન્નઈનો નૂર અહમદ મોખરે હતો અને ટોચના પાંચ બોલરમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના મોહમ્મદ સિરાજ કે દિલ્હી કૅપિટલ્સ (DC)ના મિચલ સ્ટાર્ક, બેમાંથી કોઈનું નામ પણ નહોતું એમ છતાં આ બે એવા ફાસ્ટ બોલર છે જેમની વચ્ચે અમદાવાદ (AHMEDABAD)ની શનિવારની મૅચમાં ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જોવા મળી શકે.

અમદાવાદમાં શનિવારે બપોરે 38 સેલ્સિયસ તાપમાન રહેવાની સંભાવના છે.
સિરાજ (MOHAMMED SIRAJ ) અને સ્ટાર્ક, બન્નેના નામે 10-10 વિકેટ છે. સિરાજ બોલિંગમાં વૅરિએશન્સ માટે જાણીતો છે અને આ વખતે તેણે પાવરપ્લેમાં સૌથી વધુ સાત વિકેટ લીધી છે, જ્યારે સ્ટાર્ક (MITCHELL STARK) યૉર્કરનો મારો ચલાવવા માટે તેમ જ ડેથ (17-20 નંબરની ઓવરમાં) બૅટ્સમેનો પર આક્રમણ કરવા માટે જાણીતો છે.

ગુજરાત અને દિલ્હી, બન્ને ટીમ પાંચ-પાંચમાંથી ચાર-ચાર મૅચ જીતી છે અને એક-એક મૅચ હારી છે. ફરક માત્ર એટલો છે કે ગુજરાતની ટીમ છેલ્લી મૅચ હારી હતી અને દિલ્હીની ટીમ છેલ્લી મૅચ જીતીને અમદાવાદ આવી છે. ગયા શનિવારે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સ સામે શુભમન ગિલની ગુજરાતની ટીમનો છ વિકેટે પરાજય થયો હતો. એ શનિવાર બાદ ગુજરાતના ખેલાડીઓ અઠવાડિયાના આરામ બાદ ફરી શનિવારે રમવા સજ્જ થઈ ગયા છે. અક્ષર પટેલના સુકાનમાં દિલ્હીના ખેલાડીઓ બુધવારે સીઝનની જ નહીં, ચાર વર્ષની પ્રથમ સુપરઓવરમાં રાજસ્થાન સામે જીતી ગયા હતા.


શનિવારે બીજી મૅચ કોની વચ્ચે?

લખનઊ વિરુદ્ધ રાજસ્થાન
જયપુરમાં, સાંજે 7.30

આપણ વાંચો : RCBની મજાક ઉડાવીને ટ્રેવિસ હેડ મુશ્કેલીમાં મુકાયો? જાણો RCBએ Uber સામે હાઇકોર્ટમાં દાવો કેમ માંડ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button