દિલ્હીના આઠ વિકેટે 203 રનઃ છ બૅટ્સમેને ચોક્કા-છગ્ગા ફટકાર્યા…
ગુજરાતના ક્રિષ્નાની ચાર વિકેટઃ સ્પિનર કિશોરના હાથે સીઝનમાં વિક્રમ

અમદાવાદઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આઇપીએલ (IPL-2025)ની 35મી મૅચમાં ગુજરાત ટાઇટન્સ (GT) તરફથી પ્રથમ બૅટિંગનો મોકો મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 203 રન કર્યા હતા. ગુજરાતના બોલરની ચુસ્ત બોલિંગને કારણે દિલ્હીના એક પણ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી આ 203 રનમાં નહોતી, પરંતુ તમામ છ બૅટ્સમેને ચોક્કા-છગ્ગાની મદદથી સાધારણ યોગદાન આપ્યું હતું અને તેમના આ ફાળાને લીધે જ ટીમનો સ્કોર 200 રનને પાર જઈ શક્યો હતો. ગુજરાતના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (PRASIDDH KRISHNA)એ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
કૅપ્ટન અક્ષર પટેલ (39 રન, 32 બૉલ, બે સિક્સર, એક ફોર)નું 203 રનમાં સૌથી મોટું યોગદાન હતું. અન્ય પાંચ બૅટ્સમેનના સ્કોર્સ આ મુજબ હતાઃ આશુતોષ શર્મા (37 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર), કરુણ નાયર (31 રન, 18 બૉલ, બે સિક્સર, બે ફોર), ટ્રિસ્ટેન સ્ટબ્સ (31 રન, 21 બૉલ, એક સિક્સર, બે ફોર), વિકેટકીપર કેએલ રાહુલ (28 રન, 14 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને અભિષેક પોરેલ (18 રન, નવ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર).
આઇપીએલની આ સીઝનમાં પહેલી વાર એવું બન્યું જેમાં સ્પિનરને ઇનિંગ્સમાં તેની પ્રથમ ઓવર છેક 20મી ઓવરમાં કરવાનો મોકો મળ્યો હતો. ગુજરાતના સાઇ કિશોરે એ 20મી ઓવરમાં ફક્ત નવ રન થવા દીધા હતા અને તેણે એક વિકેટ લીધી હતી. ગુજરાતના અન્ય બોલર્સમાં મોહમ્મદ સિરાજ, અર્શદ ખાન, ઇશાંત શર્મા અને સાઇ કિશોરને એક-એક વિકેટ મળી હતી. ટીમના મુખ્ય સ્પિનર રાશીદ ખાનને 38 રનમાં એકેય વિકેટ નહોતી મળી શકી.
આપણ વાંચો : Shubman Gillને મળ્યું હતું આ અલ્ટિમેટમ?, ઘરે પહોંચી ગઈ હતી વાત…