
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી તણાવને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન સ્થગિત રાખવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થતાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ IPL 2025 નું નવું શેડ્યુલ જાહેર કર્યું છે. 17મી મેથી ફરી મેચો રમાવાની શરુ થશે. ફાઈનલ મેચ 3 જુનના રોજ રમાશે, જોકે ફાઈનલ મેચ માટેના વેન્યુમાં ફેરફાર થઇ શકે છે.
નવા શેડ્યુલ મુજબ IPL 2025 ના લીગસ્ટેજના મેચો 27 મે સુધી યોજાશે. આ પછી, પ્લેઓફ મેચો 29 મેથી રમાશે અને ફાઇનલ 3 જૂને યોજાશે. અગાઉના શેડ્યૂલ મુજબ, ફાઈનલ મેચનું આયોજન કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં થવાનું હતું, પરંતુ નવા શેડ્યૂલમાં BCCI એ પ્લેઓફ માટેના સ્થળો નક્કી કર્યા નથી.
કોલકાતા પાસેથી યજમાની છીનવાશે:
અહેવાલ મુજબ કોલકાતા પાસેથી IPL 2025ના ફાઇનલ મેચની યજમાની છીનવાઈ શકે છે. અહેવાલ મુજબ ફાઈનલ મેચનું આયોજન અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અથવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થઇ શકે છે.
સુત્રોએ જણાવ્યું, “ફાઇનલની નિર્ધારિત તારીખ ૩ જૂન છે, જેના આસપાસના દિવસોમાં કોલકાતામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેવાની આગાહી છે,”
આપણ વાંચો: રોહિત-વિરાટને માનભેર ફેરવેલ સાથે ટેસ્ટમાંથી વિદાય આપવી જોઈતી હતી: કુંબલે
દિલ્હી પણ રેસમાં:
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્લેઓફ મેચ રમાઈ શકે છે. અગાઉના શેડ્યૂલ મુજબ, ક્વોલિફાયર-1 અને એલિમિનેટર હૈદરાબાદમાં જ્યારે ક્વોલિફાયર-2 અને ફાઇનલ કોલકાતામાં યોજાવાના હતા.
નવા શેડ્યુલ મુજબ BCCI એ ટુર્નામેન્ટની બાકીની મેચો માટે 7 સ્થળો પસંદ કર્યા છે જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, લખનૌ, બેંગલુરુ, જયપુર અને અમદાવાદનો સમાવેશ થાય છે.