દિલ્હીની સતત બીજી જીત, હૈદરાબાદનો લાગલગાટ બીજો પરાજય…
પાંચ વિકેટ લેનાર સ્ટાર્ક મૅન ઑફ ધ મૅચ, અનિકેતના 74 રન પાણીમાં

વિશાખાપટનમઃ આઈપીએલ (IPL 2025)માં દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે 24 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને શાનદાર વિજય મેળવી લીધો હતો. દિલ્હીએ સતત બીજી મૅચ જીતી લીધી હતી અને પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા સ્થાન પરથી ત્રણ ક્રમની છલાંગ લગાવીને બીજા સ્થાને જમાવટ કરી હતી. આ મૅચના અંતે ટેબલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) પહેલા નંબરે હતું.
હૈદરાબાદને 163 રન સુધી સીમિત રાખ્યા બાદ દિલ્હીએ 16 ઓવરમાં ત્રણ વિકેટે 166 રન બનાવી લીધા અને હૈદરાબાદે સતત બીજો પરાજય જોવો પડ્યો હતો.
દિલ્હીના મિચલ સ્ટાર્કે (3.4-0-35-5) મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.
દિલ્હીએ જીતવા મળેલો 164 રનનો સાધારણ લક્ષ્યાંક ચાર સાધારણ ઇનિંગ્સની મદદથી મેળવી લીધો હતો. ફાફ ડુ પ્લેસી (50 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું 166 રનમાં સૌથી મોટું યોગદાન હતું. ઓપનર જેક ફ્રેઝર-મૅકગર્કે (38 રન, 32 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને ડુ પ્લેસી વચ્ચે 81 રનની પ્રારંભિક ભાગીદારી થઈ હતી. મૅકગર્ક, ડુ પ્લેસી અને વિકેટકીપર કેએલ રાહુલ (15 રન, પાંચ બૉલ, એક સિક્સર, બે ફોર)ની વિકેટ પડ્યા બાદ અભિષેક પોરેલ (34 અણનમ, 18 બૉલ, બે સિક્સર, બે ફોર) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (21 અણનમ, 14 બૉલ, ત્રણ ફોર)ની જોડીએ વધુ ધબડકો નહોતો થવા દીધો અને દિલ્હીને ચાર ઓવર બાકી રખાવીને વિજય અપાવી દીધો હતો.
હૈદરાબાદ વતી દિલ્હીની ત્રણેય વિકેટ પચીસ વર્ષના લેગ-સ્પિનર ઝીશાન અન્સારીએ મેળવી હતી. હૈદરાબાદના બીજા પાંચ બોલર (મોહમ્મદ શમી, અભિષેક શર્મા, પૅટ કમિન્સ, હર્ષલ પટેલ, વિઆન મુલ્ડેર)ને એક પણ વિકેટ નહોતી મળી.
એ પહેલાં, હૈદરાબાદે પહેલા બૅટિંગ પસંદ કરવાનો નવાઈ પમાડનારો નિર્ણય લીધો હતો અને ધબડકા સાથે શરૂઆત કર્યા બાદ છેવટે 163 રનના સન્માનજનક સ્કોર સાથે ઇનિંગ્સ પૂરી કરી હતી. દિલ્હીની ટીમના મુખ્ય બોલર મિચલ સ્ટાર્કે (Mitchell Starc) પાંચ વિકેટ લીધી હતી, જ્યારે હૈદરાબાદ માટે એકમાત્ર અનિકેત વર્મા આશાનું કિરણ બન્યો હતો અને તેણે 74 રન બનાવીને હૈદરાબાદની ટીમને મોટી નામોશીથી બચાવી લીધી હતી.
આપણ વાંચો : IPL 2025: ગુજરાતની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો શું છે દરેક ટીમની સ્થિતિ
અનિકેત 58 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો હતો અને 41 બૉલની ઇનિંગ્સમાં છ સિક્સર તથા પાંચ ફોર સાથે 74 રન બનાવ્યા હતા. તેની અને હિન્રિક ક્લાસેન વચ્ચે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી. એ અગાઉ, હૈદરાબાદે ખરાબ શરૂઆત કરી હતી. પહેલી જ ઓવરમાં 11મા રન પર અભિષેક શર્મા (1 રન) રનઆઉટ થઈ ગયો હતો. સ્ટાર્કે એક જ ઓવરમાં ઇશાન કિશન (બે રન) અને નીતીશ કુમાર રેડ્ડી (0)ને પૅવિલિયનમાં પાછા મોકલીને સનસનાટી મચાવી દીધી હતી. ધમાકેદાર આરંભ માટે જાણીતા હૈદરાબાદે પચીસ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને 37મા રને ટ્રૅવિસ હેડ (બાવીસ રન, 12 બૉલ, ચાર ફોર) આઉટ થયો ત્યાર પછી અનિકેત-ક્લાસેને બાજી સંભાળી લીધી હતી.