સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યા પછી પ્રિયાંશ આર્યએ કેપ્ટન અંગે આ શું કહી નાખ્યું?

મુલ્લાંપુર: આઈપીએલની મેચમાં એક પછી એક નવોદિત લાઈમલાઈટમાં આવી રહ્યા છે, જેમાં ગઈકાલે ચેન્નઈ સામેની મેચમાં પ્રિયાંશ આર્યએ સૌથી ઝડપી સદી ફટકારીને ટીમનું નામ કમાવ્યું છે ત્યારે ટીમના કેપ્ટન અંગે મોટી વાત કરીને ચર્ચામાં આવી ગયો છે.
ચેન્નઈ સુપર કિંગ્સ સામે સદી ફટકારનાર પંજાબ કિંગ્સના ઓપનર પ્રિયાંશ આર્યએ ખુલાસો કર્યો છે કે કેપ્ટન શ્રેયસ ઐય્યર સાથેની ચર્ચાએ તેને કેવી રીતે મદદ કરી હતી. નોંધનીય છે કે મંગળવારે પ્રિયાંશે 39 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે પ્રિયાંશ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર સંયુક્ત રીતે ચોથો બેટ્સમેન બન્યો હતો.
આ બાબતમાં પ્રિયાંશે સનરાઇઝર્સ હૈદરાબાદના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડની બરાબરી કરી હતી, જેણે ગયા સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સમાન બોલમાં સદી ફટકારી હતી.પ્રિયાંશની સદીની મદદથી પંજાબે ચેન્નઇને 18 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પંજાબે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 219 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નઇ 20 ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર 201 રન જ કરી શક્યું હતું.
પ્રિયાંશે કહ્યું હતું કે હું મારી લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી, પણ અંદરથી મને ખૂબ સારું લાગી રહ્યું છે. છેલ્લી મેચમાં શ્રેયસે પોતાની સહજતા પર વિશ્વાસ રાખવાની વાત કરી હતી. તેમણે મને જે રીતે રમવા માંગુ છું તે રીતે રમવાનું સૂચન કર્યું હતું. હું વિચારી રહ્યો હતો કે જો મને પહેલો બોલ શોટ મારવાનો મળશે, તો હું ચોક્કસ સિક્સ ફટકારીશ. હું શક્ય તેટલી મારી નૈસગિક રમત રમવા માંગતો હતો અને મારી જાતને મર્યાદિત રાખવા માંગતો ન હતો.
તેણે કહ્યું હતું કે હું આ ઇનિંગથી ખુશ છું, પણ હું ટીમમાં વધુ યોગદાન આપવા માંગુ છું. જ્યારે હું શ્રેયસ ભાઇ સાથે વાત કરું છું, ત્યારે તેઓ કહે છે કે સકારાત્મક ઇરાદાથી બેટિંગ કરો. જો પહેલો બોલ મારા સ્લોટમાં આવે તો તે કહે છે કે પહેલા બોલથી જ તેને ફટકારો. મેં ચેન્નઇ સામે આ જ શૈલીમાં બેટિંગ કરી હતી.
આપણ વાંચો : સ્કૂલ ટીચર માતા-પિતાના પુત્ર પ્રિયાંશે ચેન્નઈના બોલર્સને પાઠ ભણાવ્યો…