રોહિતના નબળા ફૉર્મ વિશે અંજુમ ચોપડાએ એમઆઇને બતાવ્યો ઉપાય…

નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે રવિવારે દિલ્હી કૅપિટલ્સ (DC)ના છેલ્લા ત્રણ બૅટ્સમેનને રનઆઉટ કરીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો એ સાથે જરૂરી બે પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં એક ક્રમની પ્રગતિ કરી, પરંતુ હજી છમાંથી માત્ર બે મૅચ જીતનાર એમઆઇની ટીમના ઓપનર રોહિત શર્મા (ROHIT SHARMA)નું નબળું ફૉર્મ (POOR FORM) બધા માટે મોટી ચિંતાનો વિષય છે ત્યારે ભારતની ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન અંજુમ ચોપડાએ સૂચવ્યું છે કે રોહિતને ઓપનિંગને બદલે નીચેના કોઈ ક્રમે બૅટિંગમાં મોકલવો જોઈએ.
આ મહિનાની 30મી તારીખે જીવનના 38 વર્ષ પૂરા કરનાર રોહિત શર્માના આ વખતની આઇપીએલમાં સ્કોર આ મુજબ છેઃ 0, 8, 13, 17 અને 18 રન. રોહિતના નબળા ફૉર્મને લીધે હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની એમઆઇની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં સતતપણે નીચલા ક્રમમાં જ રહી છે. આ ટીમ છમાંથી ચાર મૅચ હારી છે અને બે મૅચ જીતી છે.
1995થી 2012 દરમ્યાન ભારત વતી 127 વન-ડે, 12 ટેસ્ટ અને 18 ટી-20 રમનાર અંજુમ ચોપડા (ANJUM CHOPRA) 47 વર્ષની છે. તેણે પીટીઆઇ વીડિયોને આપેલી મુલાકાતમાં કહ્યું, કોઈ પણ ખેલાડી ફૉર્મ ગુમાવી બેસે. એમાં કોઈ નવાઈ નથી, પરંતુ સવાલ એ છે કે હાલમાં રોહિતનું નબળું ફૉર્મ એમઆઇની યોજનાઓને ખોરવી નાખનારું છે. એમઆઇએ આ ટૂર્નામેન્ટમાં (ખાસ કરીને ટૉપ-ઑર્ડરમાં) જે રીતે શરૂઆત કરવી જોઈતી હતી એ રીતે થઈ નથી.’
અંજુમે પીટીઆઇને કહ્યું,મારી દૃષ્ટિએ એમઆઇ પાસે વિકલ્પ છે. તેઓ રોહિતને બૅટિંગમાં નીચેના કોઈ ક્રમે મોકલી શકે. રોહિત ફૉર્મમાં નથી એવું હું નથી માનતી. ક્યારેક કોઈ ઓપનર ટૂર્નામેન્ટની જોઈએ એવી શરૂઆત નથી કરી શક્તો જેની અસર એ બૅટ્સમૅન પર તેમ જ ટીમ પર પડતી હોય છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે રોહિત કેવો કાબેલ બૅટ્સમૅન અને મૅચ-વિનર છે.’