આરસીબીના જિતેશ શર્માને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો હોત તો રિષભ પંત તેને બચાવવાનો જ હતો, જાણો રસપ્રદ કિસ્સો…

લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપર હીરો જિતેશ શર્મા (85 અણનમ, 33 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ને યાદગાર ઈનિંગ્સમાં કટોકટીના સમયે જે જીવતદાન મળ્યું એની આઈપીએલના ઇતિહાસમાં ખાસ નોંધ લેવાશે અને પ્રેરણાત્મક કિસ્સાઓમાં રિષભ પંતની ખેલદિલીના આ બનાવને સ્થાન અચૂક મળશે.
Jitesh Sharma hugging Rishabh Pant for withdrawing the appeal for mankad pic.twitter.com/V8exRHHIJh
— Pari (@BluntIndianGal) May 27, 2025
પંતના ધમાકેદાર 118 સામે જિતેશના દમદાર 85 રન
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ કેપ્ટન રિષભ પંત (118 અણનમ, 61 બૉલ, આઠ સિક્સર, અગિયાર ફોર)ની ધમાકેદાર સેન્ચુરીની મદદથી ત્રણ વિકેટે 227 રન બનાવ્યા પછી આરસીબીએ ચાર વિકેટે 230 રન કરીને વિક્રમજનક ચેઝ હાંસલ કરનાર ટીમ તરીકે પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું હતું.
સૌથી મોટા સફળ રન ચેઝમાં આરસીબી ત્રીજા ક્રમે
આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં આ ત્રીજા નંબરનો સૌથી મોટો સફળ ચેઝ હતો. પહેલા બે સૌથી મોટા સફળ રન ચેઝમાં પંજાબ (2024માં કોલકાતા સામે 18.4 ઓવરમાં 262/2)નું સ્થાન પ્રથમ નંબરે અને હૈદરાબાદ (2025માં પંજાબ સામે 18.3 ઓવરમાં 247/2)નું સ્થાન બીજા નંબરે છે.
મંગળવારે જિતેશને શું ફાયદો થયો?
બન્યું એવું કે આરસીબીએ જીતવા માટે 228 રન કરવાના હતા અને 17મી ઓવરમાં જ્યારે સ્પિનર દિગ્વેશ રાઠી (DIGVESH RATHI)એ એક બૉલ ફેંકયો એ પહેલાં નોન-સ્ટ્રાઈક એન્ડની ક્રીઝમાંથી બહાર નીકળી ચૂકેલા જિતેશ (JITESH SHARMA)ને રનઆઉટ કરી દીધો હતો. ‘માંકડેડ’ (MANKADED) તરીકે જાણીતા આ પ્રકારના રનઆઉટમાં રાઠીએ બેલ્સ ઉડાડી દીધી ત્યારે ઑન ફીલ્ડ અમ્પાયરે તેને પૂછ્યું હતું કે ‘તું જિતેશને રનઆઉટ કર્યો હોવાની અપીલમાં આગળ વધવામાં મક્કમ છે?’ રાઠીએ તરત ‘હા’માં જવાબ આપ્યો હતો.
જોકે થર્ડ અમ્પાયર (ઉલ્હાસ ગાંધે)એ એવું કહીને જિતેશને નોટ આઉટ જાહેર કર્યો હતો કે બોલર રાઠીએ રન-અપ પૂરો કર્યા બાદ બૉલ રિલીઝ કરતાં પહેલાંની બોલિંગ એક્શન પૂર્ણ કરી લીધી હતી, તેણે ક્રીઝ પાર કરી લીધી હતી અને ત્યાર બાદ તેણે (કટ-ઑફ પોઇન્ટ બાદ) પાછા વળીને બેલ્સ ઉડાડી હતી અને એ સ્થિતિમાં (આઈપીએલના નિયમ 38.3.1 મુજબ) જિતેશ રનઆઉટ ન કહેવાય.
આપણ વાંચો: RCB એ બગાડ્યું ગુજરાતનું ગણિત, જાણો પ્લેઓફમાં કઈ ટીમની કોની સામે થશે ટક્કર…
દિલાવર પંત હતો જિતેશની પડખે
જિતેશને નોન-સ્ટ્રાઈક એન્ડ પર રનઆઉટ કર્યો હોવાની રાઠીએ અપીલ કર્યા બાદ થર્ડ અમ્પાયર હજી નિર્ણય પર આવી રહ્યા હતા એ દરમ્યાન લખનઊના કેપ્ટન રિષભ પંતે જિતેશને કહી દીધું હતું કે ‘તને રનઆઉટ કર્યો હોવાની અપીલ મેં પાછી ખેંચી લીધી છે એટલે તું આગળ રમી શકીશ.’
રિષભ પંતે આવું કહ્યું અને પંત અને જિતેશ એકબીજાને ભેટ્યા હતા. એટલી જ વારમાં થર્ડ અમ્પાયરે જિતેશને નોટ આઉટ જાહેર કર્યો હતો.
આ ઘટના વખતે જિતેશ 25 બૉલમાં બનાવેલા 57 રને રમી રહ્યો હતો. થર્ડ અમ્પાયરે જો જિતેશને આઉટ આપ્યો હોત તો પણ તે રમ્યો હોત કારણકે રિષભ પંતે તેના રનઆઉટની અપીલ પાછી ખેંચી લીધી હતી. જિતેશે કુલ 33 બૉલમાં અણનમ 85 રનની મદદથી આરસીબીને વિજય અપાવ્યો હતો.
પ્લે-ઑફમાં કોણ કોની સામે…
આરસીબીએ આ રોમાંચક વિજય સાથે પ્લે-ઓફના ટૉપ-ટૂમાં સ્થાન મેળવી લીધું હતું.
હવે પ્લે-ઑફના મુકાબલા આ રીતે નક્કી થયા છે: ગુરૂવાર, 29મી મેએ ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં પંજાબ વિરુદ્ધ બેંગલુરુ (ક્વોલીફાયર-વન) અને શુક્રવાર, 30મી મેએ ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં મુંબઈ વિરુદ્ધ ગુજરાત (એલિમિનેટર).
ક્વોલીફાયર-વનમાં જીતનારી ટીમ (પંજાબ અથવા બેંગ્લૂરુ) સીધી ફાઇનલમાં જશે અને પરાજિત ટીમ એલિમિનેટરની વિજેતા ટીમ સામે ક્વોલીફાયર-ટૂમાં રમશે અને એમાં વિજય મેળવનારી ટીમ ફાઇનલમાં જશે. ફાઈનલ પહેલાં એલિમિનેટર તથા ક્વોલિફાયર-ટૂની પરાજિત ટીમ સ્પર્ધાની બહાર થઈ ચૂકી હશે.