IPL 2025

હૈદરાબાદનો પાવરપ્લેમાં ફ્લૉપ-શૉ, મુંબઈને માત્ર 163 રનનો લક્ષ્યાંક

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ફુલ-હાઉસ વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 162 રન કર્યાં હતા અને મુંબઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
હૈદરાબાદના 162 રનમાં અભિષેક શર્મા (40 રન, 28 બૉલ, સાત ફોર)ના રન હાઈએસ્ટ હતા. ક્લાસેન (37 રન, 28 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નું પણ સાધારણ યોગદાન હતું. અનિકેત વર્મા (18 રન, આઠ બૉલ, બે સિક્સર) અને કેપ્ટન પૅટ કમિન્સ (આઠ રન, ચાર બૉલ, એક સિક્સર) અણનમ રહ્યા હતા.”

મુંબઈના ઑફ સ્પિનર વિલ જેકસે 14 રનમાં બે વિકેટ તેમ જ અસલ ફોર્મમાં જોવા મળેલા બુમરાહ, બૉલ્ટ અને હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: MI VS SRH: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ લીધી, હૈદરાબાદની ધીમી શરુઆત

મુંબઈએ ફીલ્ડિંગ લેતાં એસઆરએચના ઓપનર્સ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શરૂઆતના જીવતદાનો વચ્ચે સાવચેતીપૂર્વકની અને ધીમી શરૂઆત કર્યા બાદ પાવરપ્લેની છેક પાંચમી ઓવરમાં અસલ મિજાજમાં આવીને ફટકાબાજી શરૂ કરી હતી. પાંચમી ઓવર દીપક ચાહરે કરી હતી જેમાં અભિષેકે હૅટ-ટ્રિક ફોર (4, 4, 4) સાથે અસલ રૂપ બતાવ્યું હતું. એ ઓવરમાં 14 રન બન્યા હતા. જોકે હાર્ડ-હિટિંગ માટે જાણીતા હૈદરાબાદે આજે એકંદરે પાવરપ્લેમાં ખરાબ રેકોર્ડ નોંધાવ્યો હતો. હૈદરાબાદનો 2022ની સાલ બાદ વિકેટ વિનાના (છ ઓવરની) પાવરપ્લેમાં સૌથી નીચો સ્કોર (46/0) હતો. 2022માં ગુજરાત સામેની ડી. વાય. પાટીલની મૅચમાં હૈદરાબાદે (અભિષેક અને વિલિયમસન) પાવરપ્લેમાં વિકેટ વિના 42 રન કર્યા હતા.

અભિષેકને મૅચના પહેલા જ બૉલમાં (દીપક ચાહરની ઓવરમાં) વિલ જેક્સના હાથે ચાન્સ મળ્યા બાદ ચાહરની બીજી ઓવરમાં ફરી ચાન્સ મળ્યો હતો. જોકે આ વખતે કૅચ છોડનાર કર્ણ શર્મા ઈજાને લીધે મેદાન છોડી ગયો હતો. એ પહેલાં, કર્ણ શર્મા ટ્રેવિસ હેડનો કૅચ નહોતો ઝીલી શક્યો.

અભિષેક હાફ સેન્ચુરી ચૂક્યો

પાંચ દિવસ પહેલાં હોમ-ટાઉન હૈદરાબાદમાં પંજાબ સામે 141 રનની ધમાકેદાર મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમનાર અભિષેકે આજે 28 બૉલમાં સાત ફોરની મદદથી 40 રન કર્યાં હતા અને હાર્દિકના બૉલમાં બાઉન્ડરી નજીક યુવાન સબ્સ્ટિટયૂટ રાજ બાવાના હાથમાં કૅચઆઉટ થયો હતો. બાવાએ આગળ ડાઇવ મારીને તેનો અફલાતૂન કૅચ પકડ્યો હતો.
અભિષેક-ટ્રેવિસ વચ્ચે 7.3 ઓવરમાં 59 રનની ભાગીદારી થઈ હતી.

ટ્રેવિસ હેડ આઉટ છતાં નોટઆઉટ

10મી ઓવર હાર્દિકે કરી હતી જેના ચોથા બૉલમાં ટ્રેવિસ હેડ કૅચઆઉટ થયો હતો, પણ એ નો બૉલ હતો અને મૅચમાં ટ્રેવિસને આ બીજું જીવતદાન મળ્યું હતું. નો બૉલ પછીની ફ્રી હિટમાં પણ ટ્રેવિસે કૅચ આપ્યો હતો.

છેવટે વિલ જેક્સની ઓવરમાં (12મી ઓવરમાં) ટ્રેવિસ 28 રનના પોતાના સ્કોર પર સેન્ટનરના હાથમાં કૅચઆઉટ થયો હતો.

ઈશાન પાંચમી વાર ફ્લૉપ

23મી માર્ચે રાજસ્થાન સામે મૅચ-વિનિંગ અણનમ 106 રન બનાવનાર હૈદરાબાદનો ઈશાન કિશન (ત્રણ બૉલમાં બે રન) સાત મૅચમાં પાંચમી વાર ફ્લૉપ રહ્યો હતો. વિલ જેક્સના બૉલમાં વિકેટકીપર રિકલ્ટને તેને સ્ટમ્પ-આઉટ કર્યો હતો.

નીતીશ રેડ્ડીનું ‘હેલિકૉપ્ટર તૂટી પડ્યું’

હૈદરાબાદનો ગયા વર્ષના સ્ટાર નીતીશ રેડ્ડીએ 19 રનના પોતાના સ્કોર પર એમએસ ધોનીની સ્ટાઈલમાં હેલિકૉપ્ટર શૉટ માર્યો હતો, પણ લૉન્ગ ઑન પર તિલક વર્માના હાથમાં તે કૅચઆઉટ થયો હતો.

કર્ણ શર્માના સ્થાને રોહિત શર્મા

મુંબઈની ટીમમાં ઈજાગ્રસ્ત કર્ણ શર્માનું સ્થાન ઇમ્પેક્ટ પ્લેયર તરીકે (બૅટિંગમાં) રોહિત શર્માએ લીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button