IPL 2025

અમદાવાદમાં ગુજરાતનું ગૌરવ જળવાયું, હૈદરાબાદ ઑલમોસ્ટ આઉટ

ઑરેન્જ અને પર્પલ, બન્ને કૅપ ગુજરાતના ખેલાડીઓ પાસે

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (gt)એ આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (srh)ને 38 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું અને અમદાવાદના હોમ-ગ્રાઉન્ડ પર ટીમનું ગૌરવ જાળવ્યું હતું. ગુજરાતે છ વિકેટે 224 રન કર્યા બાદ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 186 રન કર્યાં હતા

Inage source: BCCI

અભિષેક શર્મા (74 રન, 41 બૉલ, છ સિક્સર, ચાર ફોર) હૈદરાબાદને દમદાર પર્ફોર્મન્સ છતાં રોમાંચક વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ઇશાંત શર્માની ત્રીજી ઓવરના છેલ્લા બૉલમાં મોહમ્મદ સિરાજે લાંબુ દોડ્યા બાદ અભિષેકનો નીચો કૅચ ઝીલ્યો હતો. તે આઉટ થયા બાદ હિન્રિક ક્લાસેન (23 રન, 18 બૉલ, એક સિક્સર, એક ફોર)ને પ્રસિદ્ધ ક્રિષ્નાએ વિકેટકીપર જૉસ બટલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ સિરાજે બે બૉલમાં અનિકેત વર્મા અને મેન્ડિસની વિકેટ લીધી હતી.

Inage source: BCCI

સૌથી વધુ રન બદલ ઑરેન્જ કૅપ ગુજરાતના સાઇ સુદર્શન (504 રન) અને હાઇએસ્ટ વિકેટ બદલ પર્પલ કૅપ ગુજરાતના જ પ્રસિદ્ધ ક્રિષ્ના (19 વિકેટ) પાસે છે. તેણે આ મૅચમાં 19 રનમાં બે વિકેટ લીધી હતી. ઓપનર ટ્રૅવિસ હેડ 20 રન અને ઇશાન કિશન 13 રન બનાવી શક્યો હતો.

Inage source: BCCI

એ પહેલાં, ઓપનર્સના યોગદાન ગુજરાતના 224/6ના તોતિંગ સ્કોર માટે પાયારૂપ સાબિત થયા હતા. આઇપીએલના સૌથી સફળ બૅટ્સમેનમાંના એક સાઇ સુદર્શન (48 રન, 23 બૉલ, નવ ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (76 રન, 38 બૉલ, બે સિક્સર, દસ ફોર) વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી.

ગિલ અને જૉસ બટલર (64 રન, 37 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 62 રનની અને બટલર તથા વૉશિંગ્ટન સુંદર (21 રન, 16 બૉલ, એક સિક્સર) વચ્ચે ત્રીજી વિકેટ માટે પંચાવન રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે 19મી ઓવરમાં 206 રનના સ્કોર પર બટલરની ત્રીજી વિકેટ પડવા સહિત 18 રનમાં કુલ ચાર વિકેટ પડી હતી. હૈદરાબાદનો જયદેવ ઉનડકટ સૌથી વધુ ત્રણ વિકેટ લેવામાં સફળ થયો હતો. છેલ્લી ત્રણેય વિકેટ તેણે લીધી હતી. કૅપ્ટન પૅટ કમિન્સ અને ઝીશાન અલીને એક-એક વિકેટ મળી હતી અને ગિલ રનઆઉટ થયો હતો. રાહુલ તેવાટિયા (6) અને રાશીદ ખાને (0) સસ્તામાં વિકેટ ગુમાવી હતી.

છઠ્ઠી એપ્રિલે હૈદરાબાદમાં રમાયેલી મૅચમાં ગુજરાતે સનરાઇઝર્સ સામે 20 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. 17 રનમાં હૈદરાબાદની ચાર વિકેટ લેનાર ગુજરાતના મોહમ્મદ સિરાજને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આ પણ વાંચો…આઈપીએલની 50મી મૅચમાં નંબર-વન મુંબઈનો 100 અને 200ના આંકડાનો જાદુ, જાણો કેવી રીતે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button