ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ માઈકા કૉલેજમાં શા માટે ગયા હતા, જાણો વિગતે

ગુજરાત ટાઇટન્સ ટીમ આઈપીએલમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કરતી આવી છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓના કૌશલ્યના લોકો વખાણ પણ કરે છે. અત્યારે ગુજરાત ટાઇટન્સના ચાર ખેલાડીઓએ એમઆઈસીએના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ ક્રિકેટ સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનની વાતો પણ કરી હતી. આ ખેલાડીઓની વાતોના કારણે MICAના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવિત પણ થયાં હતાં. ગુજરાત ટાઇટન્સના ચાર ખેલાડીઓ બુધવારે MICAના મણિ ઐય્યર ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
પોતાની કારકિર્દી, તાલીમ અને વ્યાવસાયિક ક્રિકેટના અનુભવો વર્ણવ્યા
પ્રશ્નોત્તરી અને રેપિડ ફાયર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને ખેલાડીઓએ પોતાની કારકિર્દી, તાલીમ અને વ્યાવસાયિક ક્રિકેટના અનુભવો વિશે માહિતી આપી. આ દરમિયાન વિદ્યાર્થીની મહેશ્વરી રાવતે આ વાતચીતને એક અદ્ભુત અનુભવ ગણાવ્યો છે. મહેશ્વરી રાવતે લખ્યું કે, ‘તે બધા અતિ નમ્ર અને સમજદાર હતા.” ઇશાંત શર્માએ કહ્યું હતું કે “કોઈ ધ્યેય વ્યક્તિગત નથી હોતું, ફક્ત ટીમ જ ધ્યેય હોય છે કારણ કે જો તમે તમારું શ્રેષ્ઠ પ્રયાસ કરો છો, તો પણ જો ટીમ જીતી ન શકે, તો તમે રાત્રે ઊંઘી શકતા નથી. ધ્યેય ફક્ત જીતવાનું છે.”
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ક્રિકેટ સાથે ધ્યેયની પણ વાતો કરી
MICAના વિદ્યાર્થીઓને આ વાતચીત દરમિયાન ખૂબ જ સારા અનુભવો થયા છે, એટલું જ નહીં પરંતુ સારી એવી પ્રેરણા પણ મળી છે. બુધવારે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ઇશાંત શર્મા, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન અને અનુજ રાવતે આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. આ ચર્ચા દરમિયાન ખેલાડીઓએ તેમની તાલીમ દિનચર્યા, ફોર્મ જાળવવામાં શિસ્ત અને સુસંગતતાની ભૂમિકા અને વિવિધ રમત ફોર્મેટની પણ વાત કરી હતી. આ સાથે સાથે ક્રિકેટના શરૂઆતના દિવસોને પણ યાદ કર્યાં હતાં.
આ પણ વાંચો…Hardik Pandyaએ એવું તે શું કર્યું કે ફેન્સ તેના પર થયા ગુસ્સે? વાઈરલ થયો વીડિયો…
ખેલાડીઓ સાથેની ચર્ચાને આ વિદ્યાર્થિઓએ બેસ્ટ અનુભવ ગણાવ્યો
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ કરેલી મુલાકાત વિશે MICAના અધિકારીઓએ કહ્યું કે, ચર્ચાનો બીજો મુખ્ય વિષય ટીમ ગતિશીલતા અને અનુકૂલનક્ષમતા હતો. ખેલાડીઓએ વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા સાથી ખેલાડીઓ સાથે કામ કરવાના અને નવા વાતાવરણમાં અનુકૂલન સાધવાના પોતાના અનુભવો શેર કર્યા હતાં. એક વિદ્યાર્થિની વિશાખા કેજરીવાલે કહ્યું કે, આ ખેલાડીઓને તેમના જીવન અને શીખ વિશે વાર્તાઓ શેર કરતા જોવું એ જીવનભરનો સૌથી બેસ્ટ અનુભવ હતો. આ ખેલાડીઓની વાતોએ મને ખૂબ જ પ્રભાવિત કરી છે.