GT vs SRH: ગિલે હૈદરાબાદ સામેની મેચમાં એક નહીં બે વખતે એમ્પાયર સાથે કેમ બાખડ્યો?

નવી દિલ્હીઃ આઈપીએલ 2025નો 51મો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતે છ વિકેટે 224 રન કર્યા બાદ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 186 રન કર્યાં હતા.
ગુજરાત-હૈદરાબાદ મેચમાં એમ્પાયર્સના નિર્ણયને લઈ વિવાદ પણ થયો હતો. આ મેચમાં ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ બે વખત એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. પ્રથમ વખત તે રન આઉટ થઈને પેવેલિયન પરત ફરતો ત્યારે એમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી. ગુજરાત ટાઈટન્સની ઈનિંગની 13મી ઓવરમાં આ ઘટના બની હતી.
આ ઓવરમાં સ્પિનર જીશાન અંસારીના અંતિમ બોલ પર જોસ બટલર અને શુભમન ગિલ રન લેવા દોડ્યા હતા. હર્ષદ પટેલે બોલને પકડીને સ્ટ્રાઈક એન્ડ પર વિકેટકીપર હેનરિક ક્લાસેનને આપ્યો હતો. રન આઉટ કરવાની કોશિશમાં ક્લાસેનના ગ્લવ્ઝ સ્ટંપને અડ્યા હતા અને બોલ પણ સ્ટંપ પર વાગ્યો હતો. શુભમન ગિલ ક્રીઝની બહાર હતો, પરંતુ ક્લાસેનના ગ્લવ્ઝથી કે બોલ સ્ટંપને વાગતાં બેલ્સ પડ્યા તે સ્પષ્ટ નહોતું. ટીવી એમ્પાયરે ગિલને આઉટ જાહેર કર્યો હતો. શુભમન જ્યારે બાઉન્ડ્રી લાઈન બહાર પહોંચ્યો ત્યારે તેણે ત્યાં હાજર ચોથા એમ્પાયર સાથે આ મુદ્દે ઉગ્ર દલીલ કરી હતી.
એમ્પાયર સાથે બીજી વખત શુભમન ગિલ સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ દરમિયાન બાખડ્યો હતો. 14મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાનો ચોથો બોલ ફૂલટોસ હતો અને તે અભિષેક શર્માના પેડ સાથે અથડાયો હતો. ગુજરાતના ખેલાડીઓએ એલબીડબલ્યુની અપીલ કરી હતી પરંતુ મેદાન પર એમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો હતો. આ સ્થિતિમાં ગુજરાતની ટીમે ડીઆરએસ લીધો હતો. બોલ ટ્રેકિંગમાં બોલ સ્ટંપમાં જતો હોવાનું સામે આવ્યું હતું પરંતુ ઈમ્પેક્ટ એમ્પાયર્સ કૉલ હતો. તેથી અભિષેક શર્મા આઉટ થવાથી બચ્યો હતો. આ મુદ્દે ગિલે એમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી. આ દરમિયાન અભિષેક શર્મા પણ ગુજરાત ટાઈટન્સના કેપ્ટનને શાંત કરવાની કોશિશ કરતો હતો.
આ પણ વાંચો…મુંબઈ જીત્યું, પણ રોહિતના ડીઆરએસના મામલે બબાલ થઈ