IPL 2025

ગુજરાત જીતીને નંબર-વન થયું, પણ જૉસ બટલર…

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT) અહીં શનિવારે દિલ્હી કૅપિટલ્સ (DC) સામેના થ્રિલરમાં ચાર બૉલ અને સાત વિકેટ બાકી રાખીને જીતી ગયું હતું. ગુજરાતે 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક 19.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો.

વિકેટકીપર જૉસ બટલર (97 અણનમ, 54 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)ને સેન્ચુરી નહોતી કરવા મળી, પરંતુ ગુજરાતને જિતાડવામાં તેનું સૌથી મોટું યોગદાન હતું. તેણે બે કૅચ પણ પકડ્યા હતા. બટલર (JOSH BUTTLER)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આપણ વાંચો: ગુજરાત ટાઇટન્સ વિજયી ચોક્કા સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે

બટલર 97 રને અણનમ રહેનાર ત્રીજોઃ

બટલર આઈપીએલ (IPL)ની આ સીઝનમાં 97 રને અણનમ રહી જનાર ત્રીજો બૅટ્સમૅન બન્યો છેઃ (1) પચીસમી માર્ચે ગુજરાત સામે પંજાબનો સુકાની શ્રેયસ ઐયર 97 રને અણનમ રહ્યો હતો. (2) 26મી માર્ચે કોલકાતાનો ક્વિન્ટન ડિકૉક રાજસ્થાન સામે 97 રને અણનમ રહ્યો હતો. અનુક્રમે પંજાબ અને કોલકાતાએ એ મૅચ જીતી લીધી હતી અને હવે બટલરના અણનમ 97 રનની મદદથી ગુજરાતે વિજય મેળવ્યો છે.

ગુજરાતે બીજી જ ઓવરમાં (સાત રન કરનાર શુભમન ગિલની) વિકેટ ગુમાવી ત્યાર બાદ બટલરે બાજી પોતાના હાથમાં લઈ લીધી હતી અને છેક સુધી ક્રીઝ પર રહીને ગુજરાતને જિતાડ્યું હતું.

ઓપનર સાઇ સુદર્શન (36 રન, 21 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને શેરફેન રુધરફર્ડ (43 રન, 34 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ના સાધારણ યોગદાન પણ ગુજરાતને ઉપયોગી થયા હતા. દિલ્હીની ટીમમાં માત્ર મુકેશ કુમાર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

આપણ વાંચો: ગુજરાત ટાઇટન્સની ટીમને ઝટકો, આ ખેલાડી અંગત કારણસર સ્વદેશ પાછો ગયો

બટલરને કેવી રીતે સદી ન કરવા મળી?:

બટલર આ સીઝનમાં અભિષેક શર્મા (141 રન), ઇશાન કિશન (અણનમ 106) અને પ્રિયાંશ આર્ય (103 રન) પછીનો ત્રીજો સેન્ચુરિયન નહોતો બની શક્યો. બટલરની સાથે રાહુલ તેવાટિયા 11 રને અણનમ હતો. ગુજરાતને 204 રનના લક્ષ્યાંક માટે 20મી ઓવરમાં 10 રનની જરૂર હતી. થોડા દિવસથી મૅચોમાં અંતિમ ઓવરમાં જ બાજી ફરી જતી જોવા મળી છે.

કદાચ એ જોઈને બટલર અને તેવાટિયાએ `ટીમ ફર્સ્ટ’નો અભિગમ અપનાવ્યો હશે અને એટલે જ બટલરે પોતે સદી કરવાની પરવા છોડીને તેવાટિયાને ટાર્ગેટ હાંસલ કરવા કહ્યું હશે. તેવાટિયાએ ડેથ ઓવરના સ્પેશિયાલિસ્ટ મિચલ સ્ટાર્કની 20મી ઓવરના પ્રથમ બૉલમાં સિક્સર અને બીજા બૉલ (યૉર્કર)માં ફોર ફટકારીને ત્યાં જ ખેલ ખતમ કરી નાખ્યો હતો.

તેવાટિયાના આ બે શાનદાર અને નિર્ણાયક શૉટ જોઈને ખુદ બટલર ખુશ થઈ ગયો હતો અને તેમણે ગુજરાતની ટીમને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે પહોંચાડીને આનંદ વ્યક્ત કર્યો હતો.

આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સથી ગુજરાત ટાઇટન્સ 3-2થી આગળ, થોડી જ વારમાં નવી ટક્કર શરૂ

બટલરની બે મોટી ભાગીદારીઃ

જૉસ બટલરે સુદર્શન સાથે બીજી વિકેટ માટે 35 બૉલમાં 60 રનની અને રુધરફર્ડ સાથે 69 બૉલમાં 119 રનની ભાગીદારી કરી હતી.

200-પ્લસ રનઃ ગુજરાત-દિલ્હીના કિસ્સામાં શું બન્યું?:

ગુજરાતે પહેલી જ વાર 200-પ્લસનો ચેઝ સફળતાથી મેળવી લીધો. બીજી તરફ, દિલ્હી પહેલી વાર 200-પ્લસનો પોતાનો સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું.

આપણ વાંચો: IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, જાણો કયા રસ્તા બંધ રહેશે અને મેટ્રોની વ્યવસ્થા…

ગુજરાતના ક્રિષ્નાની ચાર વિકેટઃ

એ પહેલાં, દિલ્હીએ ગુજરાત તરફથી પ્રથમ બૅટિંગનો મોકો મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 203 રન કર્યા હતા. ગુજરાતના બોલરની ચુસ્ત બોલિંગને કારણે દિલ્હીના એક પણ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી આ 203 રનમાં નહોતી, પરંતુ તમામ છ બૅટ્સમેને ચોક્કા-છગ્ગાની મદદથી સાધારણ યોગદાન આપ્યું હતું અને તેમના આ ફાળાને લીધે જ ટીમનો સ્કોર 200 રનને પાર જઈ શક્યો હતો. ગુજરાતના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

છ બૅટ્સમેનના યોગદાન એળે ગયાઃ

કૅપ્ટન અક્ષર પટેલ (39 રન, 32 બૉલ, બે સિક્સર, એક ફોર)નું 203 રનમાં સૌથી મોટું યોગદાન હતું. અન્ય પાંચ બૅટ્સમેનના સ્કોર્સ આ મુજબ હતાઃ આશુતોષ શર્મા (37 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર), કરુણ નાયર (31 રન, 18 બૉલ, બે સિક્સર, બે ફોર), ટ્રિસ્ટેન સ્ટબ્સ (31 રન, 21 બૉલ, એક સિક્સર, બે ફોર), વિકેટકીપર કેએલ રાહુલ (28 રન, 14 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને અભિષેક પોરેલ (18 રન, નવ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર).
આ તમામ છ બૅટ્સમેનના પર્ફોર્મન્સ પાણીમાં ગયા હતા.

આપણ વાંચો: ટૉરન્ટ ગ્રૂપે આટલા કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સનો 67 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો…

સ્પિનરની પ્રથમ ઓવર છેક 20મી ઓવરમાં!:

આઇપીએલની આ સીઝનમાં પહેલી વાર એવું બન્યું જેમાં સ્પિનરને ઇનિંગ્સમાં તેની પ્રથમ ઓવર છેક 20મી ઓવરમાં કરવાનો મોકો મળ્યો હતો. ગુજરાતના સાઇ કિશોરે એ 20મી ઓવરમાં ફક્ત નવ રન થવા દીધા હતા અને તેણે એક વિકેટ લીધી હતી.
ગુજરાતના અન્ય બોલર્સમાં મોહમ્મદ સિરાજ, અર્શદ ખાન, ઇશાંત શર્મા અને સાઇ કિશોરને એક-એક વિકેટ મળી હતી. ટીમના મુખ્ય સ્પિનર રાશીદ ખાનને 38 રનમાં એકેય વિકેટ નહોતી મળી શકી.


આઇપીએલમાં કઈ ટીમ કેવી સ્થિતિમાં?

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ

ગુજરાત 7 5 2 10 +0.984
દિલ્હી 7 5 2 10 +0.589
પંજાબ 7 5 2 10 +0.308
બેંગલૂરુ 7 4 3 8 +0.446
લખનઊ 7 4 3 8 +0.086
કોલકાતા 7 3 4 6 +0.547
મુંબઈ 7 3 4 6 +0.239
રાજસ્થાન 7 2 5 4 -0.714
હૈદરાબાદ 7 2 5 4 -1.217
ચેન્નઈ 7 2 5 4 -1.276

નોંધઃ તમામ આંકડા શનિવારની ગુજરાત-દિલ્હી મૅચના અંત સુધીના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button