શરૂઆતના ધમાકા પછી ગુજરાતને લખનઊના બોલર્સે બ્રેક મારી
છ વિકેટે 180 રનઃ ગિલ-સુદર્શન વચ્ચે 120ની ભાગીદારી, છેલ્લા 60 રનમાં છ વિકેટ પડી

લખનઊઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધમાકેદાર શરૂઆત કરી હતી અને પહેલી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ત્યાર બાદ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના બોલર્સે એવી બે્રક મારી કે ગુજરાતની ટીમનો સ્કોર 20મી ઓવરને અંતે મર્યાદિત રહ્યો હતો.
ગુજરાતે છ વિકેટે 180 રન કરીને યજમાન લખનઊને 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે છેલ્લી છ વિકેટ 60 રનમાં ગુમાવી દીધી હતી.
ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલ (60 રન, 38 બૉલ, એક સિક્સર, છ ફોર) અને ઇન્ફૉર્મ બૅટ્સમૅન સાઇ સુદર્શન (56 રન, 37 બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચે 12.1 ઓવરમાં 120 રનની ભાગીદારી થઈ હતી. બન્ને બૅટ્સમેને હાફ સેન્ચુરીથી ગુજરાતને શાનદાર શરૂઆત કરાવી આપી હતી અને ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતની ટીમ 250 રનની આસપાસ પહોંચી જ શે. જોકે 120 રનના સ્કોર પર લખનઊના પેસ બોલર આવેશ ખાને ગુજરાતનો રથ રોક્યો હતો.
આપણ વાંચો: ગુજરાત ટાઇટન્સ વિજયી ચોક્કા સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે
તેણે ગિલ (Shubhman Gill)ને લૉન્ગ-ઑન પર ઊભેલા એઇડન માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યાર પછીની ઓવરમાં સ્પિનર રવિ બિશ્નોઈ ત્રાટક્યો હતો અને તેણે સુદર્શન (Sai sudarshan)ને કવરમાં નિકોલસ પૂરનના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. ઉપરાઉપરી બે વિકેટ પડતાં ગુજરાતની ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી, જ્યારે લખનઊના ખેલાડીઓનો ઉત્સાહ અનેકગણો વધી ગયો હતો.
ગિલ-સુદર્શનની વિદાય બાદ ગુજરાતનો બીજો કોઈ પણ બૅટ્સમૅન પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. શેરફેન રુધરફર્ડે બાવીસ રન બનાવ્યા હતા, પણ એ માટે તેને 18 બૉલની જરૂર પડી હતી અને 19મા બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. શાર્દુલ ઠાકુરે તેને એલબીડબ્લ્યૂમાં પૅવિલિયન ભેગો કર્યો હતો.
આપણ વાંચો: ગુજરાત ટાઇટન્સની ટીમને ઝટકો, આ ખેલાડી અંગત કારણસર સ્વદેશ પાછો ગયો
જૉસ બટલર (16), વૉશિંગ્ટન સુંદર (બે રન) અને રાહુલ તેવાટિયા (0) પણ લાંબી ઇનિંગ્સ નહોતા રમી શક્યા. શાર્દુલે ઉપરાઉપરી બે બૉલમાં રુધરફર્ડ અને તેવાટિયાની વિકેટ લેતાં તે હૅટ-ટ્રિક ચાન્સ પર હતો, પરંતુ રાશીદ ખાને (0) શાર્દુલને સફળ નહોતો થવા દીધો. એમ. શાહરુખ ખાન 11 રને અણનમ રહ્યો હતો.
લખનઊના શાર્દુલ અને બિશ્નોઈએ બે-બે વિકેટ તથા દિગ્વેશ રાઠી અને આવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. આકાશ દીપ અને માર્કરમને વિકેટ નહોતી મળી.
એ પહેલાં, લખનઊના સુકાની રિષભ પંતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.