મૅચ-વિનર ચહલ વિશે રોમાંચિત થયેલી ગર્લફ્રેન્ડ મહવાશે લખ્યું…‘આ ખેલાડી તો…’
પંજાબના અને ચહલના ક્યા વિક્રમોએ આઇપીએલને વધુ એક્સાઈટિંગ બનાવી?

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 211 વિકેટ લેનાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ગઈ કાલે અહીં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મૅચમાં ચાર વિકેટ લઈને પંજાબ કિંગ્સ (PBKS)ને સંભવિત પરાજય વિજયમાં ફેરવી આપ્યો એ બદલ પંજાબના ખેલાડીઓ તેમ જ આ ટીમના અસંખ્ય ચાહકો તો ખુશ થયા જ છે, ખાસ કરીને ચહલ (YUZVENDRA CHAHAL)ની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવાશ (RJ MAHVASH) બેહદ ખુશ છે. તેણે ચહલનો પર્ફોર્મન્સ જોઈને સોશિયલ મીડિયામાં પ્રેમભરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

પંજાબે ગઈ કાલે કોલકાતા સામે વિક્રમજનક જીત હાંસલ કરી હતી. મહવાશે ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું, ‘આ ખેલાડી કેટલો બધો ટેલન્ટેડ છે. એટલે જ તો આઈપીએલમાં સૌથી વધુ વિકેટ તેના નામે છે.
અસંભવ!’ ચહલને પંજાબ કિંગ્સના ફ્રેન્ચાઈઝીએ 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
મહવાશ પંજાબ કિંગ્સની દરેક મૅચ જોવા સ્ટેડિયમમાં આવે છે. તેણે મૅન ઑફ ધ મૅચ ચહલના બેહદ વખાણ કરીને તેની સાથેની તાજેતરની એક તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી છે.
ચહલના પર્ફોર્મન્સથી ટીમની સહ-માલિક પ્રીટિ ઝિન્ટા બેહદ ખુશ હતી.
પંજાબે કોલકત્તાને કેવી રીતે માત આપી?
★ મંગળવારે શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબની ટીમ બૅટિંગ લીધા પછી 15.3 ઓવરમાં માત્ર 111ના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં ઓપનર પ્રભસિમરન સિંહના 30 રન હાઈએસ્ટ હતા.
★ કોલકાતાના હર્ષિત રાણાએ ત્રણ વિકેટ તેમ જ વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ લીધી હતી.
★ કોલકાતાએ 112 રનના લક્ષ્યાંક સામે ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ એક તબક્કે 62 રન પર એની ફક્ત બે વિકેટ હતી એટલે એનો વિજય સંભવ હતો.
★ કોલકાતાના કેપ્ટન અજિંકય રહાણેને ચહલના બૉલમાં એલબીડબલ્યૂની અપીલ થતા અમ્પાયરે આઉટ આપ્યો હતો. જોકે રહાણેએ પૅવિલિયન તરફ ચાલવાની શરૂઆત કરી દીધી હતી. તેણે ડી.આર.એસ.ની મદદ ન લેવાની મોટી ભૂલ કરી હતી. રિપ્લેમાં પછીથી જાણવા મળ્યું હતું કે બૉલ ઑફ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો.
★ કોલકાતાની ટીમમાં અંગક્રિશ રઘુવંશીના 37 રન હાઈએસ્ટ હતા.
★ કોલકાતાની ટીમ 15.1 ઓવરમાં માત્ર 95 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં પંજાબનો 16 રનથી રોમાંચક વિજય થયો હતો.
પંજાબ અને ચહલના વિક્રમો પર એક નજર…
★ પંજાબે ગઈ કાલે 111 રનનું પોતાનું ટોટલ ડિફેન્ડ કર્યું હતું. આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં કોઈ ટીમે પોતાનો સ્કોર સફળતાથી ડિફેન્ડ કરીને હરીફ ટીમને પરાજિત કરી હોય એમાં આ સૌથી નીચો ટીમ સ્કોર છે. પંજાબે ચેન્નઈનો રેકોર્ડ તોડ્યો છે. 2009માં ચેન્નઈએ પંજાબ સામે 116/9નું ટોટલ ડિફેન્ડ કર્યું હતું.
★ આઇપીએલની કોઈ મૅચમાં બંને ટીમ ઑલઆઉટ થઈ હોય એવો માત્ર પાંચમો કિસ્સો મંગળવારે બન્યો હતો. અગાઉ આવું ડેક્કન-રાજસ્થાન, કોલકાતા-બેંગલૂરુ, મુંબઈ-હૈદરાબાદ અને મુંબઈ-કોલકાતાની મૅચમાં બન્યું હતું.
★ આઇપીએલના ઈતિહાસમાં સૌથી વધુ 211 વિકેટ ચહલના નામે છે જ, તેણે હવે એક જ મૅચમાં ચાર વિકેટની સિદ્ધિ આઠમી વખત મેળવી છે. એ સાથે તેણે સુનીલ નારાયણના આઇપીએલ રેકોર્ડની બરાબરી કરી છે. ચહલ હવે વધુ એક વખત મૅચમાં ચાર વિકેટ લેશે એટલે નારાયણનો રેકોર્ડ તૂટી જશે.
★ ચહલે મૅચમાં ચાર વિકેટવાળી ત્રણ સિદ્ધિ કોલકાતા સામે મેળવી છે. એમાંની એક મૅચમાં તેણે પાંચ વિકેટ લીધી હતી.
★ કોઈ એક જ હરીફ ટીમ સામે મૅચમાં ચાર કે વધુ વિકેટની સિદ્ધિ ત્રણ વખત મેળવીને ચહલે સુનીલ નારાયણના આઇપીએલ વિક્રમની બરાબરી કરી લીધી છે.
આપણ વાંચો: PBKS vs KKR: ‘અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’ હાર બાદ અજિંક્ય રહાણેએ નિરાશા વ્યક્ત કરી