IPL 2025

આજની ફાઇનલ કોણ જીતશે? વિખ્યાત રૅપરે આ ટીમ પર કરોડો રૂપિયા લગાવ્યા છે

કૅનેડિયન સિંગર ડ્રેકે ગયા વર્ષે કોલકાતા પર દાવ લગાવ્યો હતો અને જીતી ગયો હતો

નવી દિલ્હીઃ ક્રિકેટ મૅચ પર અને ખાસ કરીને નૉકઆઉટ કે વિશેષ કરીને ફાઇનલ પર બિનસત્તાવાર રીતે કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે અને એમાં ભાગ્યે જ કોઈ તરી જતું હોય છે, પણ મોટા ભાગના લોકો ડૂબી જતા હોય છે અને એવામાં જો કોઈ જાણીતી હસ્તી કોઈના પર દાવ લગાવે તો તે ચર્ચામાં આવી જાય છે. કૅનેડાના જાણીતા રૅપર ડ્રેકે 2024ની સાલની 17મી આઇપીએલના અંત ભાગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પર દાવ ખેલ્યો હતો અને એમાં તેનું સાચું પડ્યું હતું. હવે આ વર્ષે તેણે આ ટીમ પર કરોડો રૂપિયાની બેટ લગાવી છે.

આજે આઇપીએલની ફાઇનલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી ફાઇનલ મુકાબલો છે. આ બેમાંથી કોઈ ટીમ અગાઉ ક્યારેય ટ્રોફી નથી જીતી, પણ આજે જીતવાની એમને સુવર્ણ તક છે. બીજી રીતે કહીએ તો આઇપીએલને 2022 બાદ ફરી એકવાર નવું ચૅમ્પિયન મળશે. 2022માં ગુજરાત ટાઇટન્સની ટીમ ચૅમ્પિયન થઈ હતી. કહેવાય છે કે કૅનેડિયન સિંગર ડ્રેકે (DRAKE) પંજાબ સામે ભીડનારી બેંગલૂરુની ટીમ પર 6.40 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો છે.

રૅપર ડ્રેકે પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ દ્વારા આ વાતની જાણકારી દુનિયાને આપી છે અને કૅપ્શનમાં તેણે લખ્યું છે, `ઇ સાલા કપ નામદે’. બેંગલૂરુની તરફેણ કરતી આ કૅપ્શનને પગલે ડ્રેક ચર્ચામાં આવી ગયો છે.
2024ની આઇપીએલ (IPL)ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (113/10) સામે કોલકાતા (10.3 ઓવરમાં 114/2)નો આઠ વિકેટે વિજય થયો હતો અને કોલકાતાએ ત્રીજી વાર ટાઇટલ જીતી લીધું હતું.

આ પણ વાંચો – IPL FINAL-2025: RCBના જિતવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?

હવે ડ્રૅકે આરસીબી પર દાવ લગાવ્યો છે. ગયા વર્ષે તો ડ્રેકનું સાચું પડ્યું હતું, પણ આ વખતે જોઈએ કોણ જીતે છે. કારણ એ છે કે પંજાબની ટીમ કૅપ્ટન શ્રેયસ ઐયરના ધમાકેદાર પર્ફોર્મન્સની મદદથી મુંબઈ ઇન્ડિયન્સ સામેના રોમાંચક વિજય સાથે ફાઇનલમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે આરસીબીની ટીમ 2009, 2011 અને 2016 બાદ હવે ચોથી વાર ફાઇનલમાં પહોંચી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button