14 વર્ષના વૈભવ સૂર્યવંશીની નેટવર્થની ચર્ચાઃ બ્રેન્ડ એન્ડોર્સમેન્ટની ઑફર આવવા લાગી!

જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષની ઉંમરનો વૈભવ સૂર્યવંશી આઇપીએલ (IPL)ના સૌથી યુવાન ખેલાડી તરીકેનો રેકૉર્ડ કાયમ કર્યા પછી ટી-20 ફૉર્મેટમાં સૌથી યુવાન વયે સેન્ચુરી ફટકારવાનો તેમ જ ભારતીયોમાં સૌથી ઓછા (35) બૉલમાં સદી ફટકારવા સહિત ઘણા વિક્રમો બદલ ક્રિકેટજગતમાં છવાઈ ગયો છે ત્યારે આ ટેણિયાની નેટવર્થ (સંપત્તિ)ની પણ ચર્ચા થવા લાગી છે. એવું મનાય છે કે તેને અત્યારથી જ બ્રેન્ડ એન્ડોર્સમેન્ટની ઓફર આવવા લાગી છે.
રાજસ્થાન રૉયલ્સે ગયા વર્ષે હરાજીમાં વૈભવ (VAIBHAV SURYAVANSHI)ને દિલ્હી કૅપિટલ્સ સામેની હરીફાઈમાં 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.10 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો.
આ પણ વાંચો: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગથી ‘ગોડ ઓફ ક્રિકેટ’ આફરીન, રોહિત-યુસુફ પઠાણે શું કહ્યું?
2011ની 27મી માર્ચે બિહારના સમસ્તીપુર જિલ્લામાં જન્મેલા વૈભવે નવ વર્ષની ઉંમરે ક્રિકેટની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. તેના પિતા સંજીય સૂર્યવંશી પણ રાજ્યના સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતા એટલે પુત્ર વૈભવને કોચિંગ આપવાનું તેમના માટે મુશ્કેલ નહોતું. જોકે સમસ્તીપુરમાં તેમ જ પટનામાં વૈભવે વધુ સારું કોચિંગ મેળવ્યું અને ભારતની અન્ડર-19 ટીમ સુધી પહોંચ્યો હતો.
સંજીવ સૂર્યવંશીએ થોડા વર્ષ પહેલાં પુત્રને ક્રિકેટર બનાવવાના હેતુથી ખેતીની જમીન વેચી નાખી હતી તો વૈભવના મમ્મી આરતી સૂર્યવંશીએ પણ પુત્રની કરીઅર માટે ઘણો ભોગ આપ્યો છે. તેઓ રાત્રે 11.00 વાગ્યે સૂતા અને પરોઢ પહેલાં 3.00 વાગ્યે ઊઠીને પુત્ર માટે ટિફિન તૈયાર કરતા હતા. આ ઉપરાંત, મમ્મી-પપ્પા બન્નેએ વૈભવને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા ખૂબ સપોર્ટ કર્યો છે.
આ પણ વાંચો: પ્રથમ બૉલમાં સિક્સર ફટકારવી એ મારા માટે સાવ સામાન્ય વાત છેઃ વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશી હજી છે તો ટીનેજર, પણ તેની નેટવર્થ હાલમાં ચર્ચામાં છે. તેની પાસે (તેના પરિવાર પાસે) કુલ બે કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું મનાય છે. સોમવારે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં 35 બૉલમાં 100 રન પૂરા કરીને ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનોમાં નવો ભારતીય વિક્રમ કરનાર તેમ જ ક્રિસ ગેઇલ (30 બૉલમાં સદી) પછી બીજું સ્થાન હાંસલ કરનાર વૈભવ માટે મંગળવાર બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.