ધોનીના માતા-પિતા પહેલી જ વાર આઇપીએલ જોવા આવ્યાઃ પુત્ર રિટાયર થઈ રહ્યો છે કે શું?

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચ ટાઇટલ અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીની આ અંતિમ આઇપીએલ છે કે શું? તેનું ઘૂંટણ તેને બહુ સાથ ન આપતું હોવાથી તે હવે 2026ની આઇપીએલમાં પણ રમતો જોવા મળશે એવી સંભાવના બહુ ઓછી છે, પરંતુ તેના માતા-પિતા આજે પહેલી જ વાર આઇપીએલ (IPL)ની મૅચ જોવા આવ્યા એટલે ધોનીની નિવૃત્તિની શક્યતા વધી જાય છે.
વાત એમ છે કે ધોનીના પિતા પાનસિંહ અને માતા દેવકી દેવી પહેલી જ વખત આઇપીએલની મૅચ જોવા સ્ટેડિયમમાં આવ્યા. 2008માં આ ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી માંડીને 2024 સુધીની 17 સીઝનમાં ક્યારેય તેઓ સ્ટેડિયમમાં નહોતા આવ્યા, પરંતુ આ વખતે 18મી સીઝનમાં ચેન્નઈની દિલ્હી (DC) સામેની મૅચ જોવા આવ્યા.
આ પણ વાંચો:દિલ્હીએ બૅટિંગ પસંદ કર્યા પછી પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી
ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા ઘણી વાર સ્ટેડિયમમાં મૅચ જોવા આવી ચૂક્યાં છે. દિલ્હીની શનિવારની ચેન્નઈ ખાતેની મૅચ પહેલાં એક સંભાવના એવી હતી કે સીએસકેનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ કોણીની ઈજાને કારણે નહીં રમે તો ધોની આ મૅચ પૂરતું સુકાન સંભાળશે. બની શકે કે તેના માતા-પિતા તેને `છેલ્લી વાર’ ટીમનું નેતૃત્વ સંભાળતો જોવા માટે ચેન્નઈના સ્ટેડિયમમાં આવ્યા હશે. જોકે ગાયકવાડને કોણીમાં દુખાવો નહોતો અને તેણે રમવાનું નક્કી કરી લેતાં સુકાન પણ તેણે જ સંભાળ્યું હતું.