IPL 2025

સમજદારીથી રમો અને પુષ્કળ રન બનાવો, મારે મોટી ભાગીદારીઓ જોઈએ છેઃ ધોની

સીએસકે પહેલી વાર સીઝનમાં લાગલગાટ પાંચ મૅચમાં પરાજિતઃ હોમ-ગ્રાઉન્ડમાં પણ પ્રથમ વખત સતત ત્રણ હાર

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આઇપીએલમાં 2008ના આરંભથી માંડીને 2024 સુધીમાં કુલ પાંચ ટાઇટલ જીતી હતી, પરંતુ વર્તમાન સીઝન એવી પહેલી સીઝન છે જેમાં સીએસકેએ કેટલીક અભૂતપૂર્વ નામોશી જોવી પડી છે જેને પગલે આ ટીમનો લેજન્ડરી કૅપ્ટન અને હાલમાં કાર્યવાહક સુકાની બનેલો મહેન્દ્રસિંહ ધોની પોતાના ખેલાડીઓથી નારાજ છે અને છૂપા ક્રોધ સાથેની એ નારાજગી તેણે શુક્રવારે ચેપૉક (CHEPAUK)માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની કારમી હારને પગલે શબ્દોમાં વ્યક્ત કરી હતી.

ધોનીએ ઇન્ટરવ્યૂમાં પોતાની ટીમ વિશે કહ્યું હતું કે `અમારા ખેલાડીઓએ વધુ સમજદારીથી રમવું પડશે, પુષ્કળ રન તો કરવા જ પડશે. મારે હવે પછી મોટી ભાગીદારીઓ પણ જોઈએ છે.’

સીએસકેએ હવે પ્લે-ઑફમાં પહોંચવા બાકીની તમામ લીગ મૅચ જીતવી પડશે.

સીએસકેના નામે અનેક ખરાબ રેકૉર્ડઃ નારાયણે તોડ્યો અશ્વિનનો વિક્રમ

(1) સીએસકેની ટીમ પહેલી જ વાર એક સીઝનમાં લાગલગાટ પાંચ મૅચ હારી છે.

(2) શુક્રવારે કેકેઆર સામેનો આઠ વિકેટના માર્જિનવાળો પરાજય સીએસકે માટે વધુ નાલેશીભર્યો હોવાનું કારણ એ છે કે ચેપૉકના હોમ-ગ્રાઉન્ડ એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં સીએસકેની ટીમ આ સીઝનમાં સતત ત્રીજી મૅચ હારી છે અને એક જ સીઝનમાં સીએસકેના કિસ્સામાં આવું પહેલી જ વાર બન્યું છે.

(3) ઋતુરાજ ગાયકવાડ કોણીના ફ્રૅક્ચરને કારણે આ સ્પર્ધાની બહાર થઈ ગયો છે. ધોનીની કૅપ્ટન્સીમાં સીએસકેની ટીમ બૅટિંગ મળ્યા બાદ નવ વિકેટે માત્ર 103 રન કર્યા હતા. ચેપૉકમાં સીએસકેનું આ સૌથી નીચું ટોટલ છે. અગાઉનું લોએસ્ટ ટોટલ 109/10 હતું જે સીએસકેની ટીમ 2019માં મુંબઈ ઇન્ડિયન્સ સામે નોંધાવી શકી હતી.

(4) સીએસકેના 103 રન આઇપીએલના ઇતિહાસમાં એનું ત્રીજા નંબરનું સૌથી નીચું ટોટલ છે. એના પહેલા બે નંબરના સૌથી નીચા ટોટલ આ મુજબ છેઃ 2013માં વાનખેડેમાં મુંબઈ સામે 79 રન અને 2022માં વાનખેડેમાં મુંબઈ સામે 97 રન.

(5) કેકેઆરે શુક્રવારે 59 બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો. હરીફ ટીમે સૌથી વધુ બૉલ બાકી રાખીને સીએસકે સામે વિજય મેળવ્યો હોય એવી રેકૉર્ડ-બુકમાં 59 બૉલનો આ પરાજય હવે મોખરે છે. 2020માં મુંબઈએ સીએસકે સામે 46 બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો.

(6) શુક્રવારે સીએસકેની ઇનિંગ્સમાં 63 બૉલ સુધી એક પણ બાઉન્ડરી (સિક્સર કે ફોર) નહોતી ફટકારવામાં આવી. રાહુલ ત્રિપાઠીએ આઠમી ઓવરના પાંચમા બૉલમાં ફોર ફટકારી ત્યાર પછી છેક 19મી ઓવરના ત્રીજા બૉલમાં શિવમ દુબે ચોક્કો ફટકારી શક્યો હતો.

(7) 16 મૅચમાં બોલર તરીકે સુનીલ નારાયણની એક પણ ઓવરમાં એક પણ બાઉન્ડરી (ફોર કે સિક્સર) નથી ગઈ. આઇપીએલ (IPL)માં આ નવો વિક્રમ છે. તેણે આર. અશ્વિનનો આઇપીએલ રેકૉર્ડ તોડ્યો છે. અશ્વિનની 15 મૅચમાં એક પણ ઓવરમાં એકેય બાઉન્ડરી નથી ગઈ.


આઇપીએલ-2025માં કઈ ટીમ કેવી સ્થિતિમાં?

ટીમ. મૅચ જીત. હાર. પૉઇન્ટ રનરેટ

દિલ્હી. 4 4 0 8 +1.278
ગુજરાત. 6 4 2 8 +1.081
લખનઊ. 6 4 2. 8 +0.162
કોલકાતા. 6. 3 3 6 +0.803
બેંગલૂરુ 5. 3 2 6. +0.539
પંજાબ 4 3. 1 6 +0.289
રાજસ્થાન. 5 2 3 4. -0.733
મુંબઈ. 5. 1. 4 2. -0.010
ચેન્નઈ. 6 1 5. 2. -1.554
હૈદરાબાદ. 5 1 4 2. -1.629

(તમામ આંકડા શનિવારની લખનઊ-ગુજરાત મૅચના અંત સુધીના છે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button