IPL 2025

ઓહ માય ગૉડ! ડેવાલ્ડ બ્રેવિસનો ટ્રિપલ-હેડર કૅચ જોવા જેવો છે…

ચેન્નઈ: ગયા અઠવાડિયે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ડેવાલ્ડ બ્રેવિસ (DEWALD BREVIS)નો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના શ્રીલંકન ખેલાડી કમિન્ડુ મેન્ડિસે ઊંચી છલાંગમાં અને પછી ડાઈવ મારીને જે કૅચ પકડ્યો હતો એને ‘ કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે ત્યારે એ કૅચમાં વિકેટ ગુમાવી બેઠેલા ખુદ બ્રેવિસે બુધવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે કમાલ કરી નાખી. તેણે અનોખી સ્ટાઇલમાં ટ્રિપલ-હેડરમાં ગજબનો કૅચ પકડ્યો હતો.

https://twitter.com/i/status/1917638030246002848

સીએસકેની ટીમ બુધવારે હારી જતાં પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હતી, પરંતુ બ્રેવિસે આ કૅચ ઝીલીને અનેક લોકોના દિલ જીતી લીધા હતા.

બાવીસ વર્ષનો બ્રેવિસ સાઉથ આફ્રિકાનો છે અને તે પોતાના જ દેશના મહાન ખેલાડી એબી ડિવિલિયર્સનો જુનિયર એટલે કે ‘ બૅબી એબી’ તરીકે ઓળખાય છે. બુધવારે તેણે પંજાબ કિંગ્સના શશાંક સિંહનો જે કૅચ પકડ્યો એ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકો પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા હતા અને તેની વાહ-વાહ કરી હતી.

ચેન્નઈ સામે 191 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી પંજાબની ટીમના બૅટ્સમેન સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે 18મી ઓવરમાં બૅબી એબી (BABY AB)એ શશાંક સિંહ (Shashank singh)નો સૌને ચોંકાવી દે એવો કૅચ પકડ્યો હતો.

રવીન્દ્ર જાડેજાની 18મી ઓવરના ત્રીજા બૉલને શશાંકે પુલ શૉટમાં મિડ-વિકેટ પરથી બાઉન્ડરી લાઈન તરફ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. બ્રેસિસે બૉલ સીધો ઝીલી તો લીધો, પરંતુ પોતે બાઉન્ડરી લાઇનની બહાર જઈ રહ્યો છે એવું વિચારીને તેણે બૉલ પાછો ઊંચે હવામાં ઉછાળ્યો હતો. બાઉન્ડરી લાઈનની અંદર આવીને બૉલ ઝીલી લીધા બાદ તેને ફરી થયું કે પોતે બાઉન્ડરી લાઈનને અડી જશે. એવું વિચારીને તેણે ફરી બૉલને હવામાં ઉછાળ્યો હતો અને ત્યાર બાદ બાઉન્ડરી લાઇનની પૂરેપૂરા અંદર આવીને તેણે કૅચ ઝીલી લીધો હતો. બીજી રીતે કહીએ તો તેણે અસાધારણ સમય સૂચકતા વાપરીને ત્રીજા પ્રયાસમાં કૅચ કમ્પ્લીટ કર્યો હતો.

મેદાન પરના અમ્પાયરના માનવામાં જ નહોતું આવતું અને તેઓ મૂંઝાઈ ગયા હતા એટલે તેમણે તરત જ થર્ડ અમ્પાયર રોહન પંડિતની મદદ લીધી હતી. થર્ડ અમ્પાયરે ઘણી વાર સુધી રિપ્લે જોયા બાદ છેવટે એ કૅચ જાહેર કર્યો હતો અને શશાંક 23 રનના પોતાના સ્કોર પર ઉદાસ હાલતમાં પાછો આવ્યો હતો.

બ્રેવિસના આ ટ્રિપલ હેડર કૅચની ક્રિકેટ જગતમાં વાહ-વાહ થઈ રહી છે. તેનો આ કૅચનો વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે. આ કૅચ ક્રિકેટપ્રેમીઓ વર્ષો સુધી યાદ રાખશે.

ચેન્નઈએ 20 ઓવરમાં સૅમ કરૅનના 88 રનની મદદથી 190 રન કર્યા હતા. પંજાબે ૧૯.૪ ઓવરમાં છ વિકેટના ભોગે 194 રન કરીને વિજય મેળવ્યો હતો અને આઈપીએલ (IPL-2025)ના પોઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. આ 194 રનમાં કેપ્ટન શ્રેયસ ઐયરના 72 રન અને ઓપનર પ્રભસિમરન સિંહના 54 રન સામેલ હતા.

આપણ વાંચો:  PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરને BCCI એ દંડ ફટકાર્યો, આ આરોપમાં દોષિત સાબિત થયો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button