દિલ્હીનો ચેપૉકમાં 15 વર્ષે વિજયઃ પૉઇન્ટ્સમાં મોખરે

ચેન્નઈઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે આઇપીએલ-2025 (IPL 2025)ની 17મી મૅચના રોમાંચક મુકાબલામાં પચીસ રનથી વિજય મેળવીને સતત ત્રીજી મૅચ પણ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં છ પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. દિલ્હીએ 15 વર્ષમાં પહેલી વાર ચેપૉકમાં જીત હાંસલ કરવામાં સફળતા મેળવી છે. ચેપૉકમાં દિલ્હીએ આ પહેલાં ચેન્નઈને હરાવેલું ત્યારે આઇપીએલની એ ત્રીજી સીઝન (2010) હતી અને પહેલી બન્ને સીઝન (2008, 2009)માં પણ દિલ્હીની જ ચેપૉકમાં જીત થઈ હતી.
તાજેતરમાં જ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ ચેન્નઈને ચેપૉકમાં 17 વર્ષે પહેલી વાર હરાવ્યું હતું અને હવે દિલ્હીએ ચેન્નઈને એના જ ગઢમાં પરાજિત કર્યું છે.
વિજય શંકર (69 અણનમ, 54 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને લેજન્ડરી-ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (30 અણનમ, 26 બૉલ, એક સિક્સર, એક ફોર)ની જોડીએ વિક્રમજનક ભાગીદારી કરી હતી, પરંતુ ચેન્નઈ માટે 184 રનનો લક્ષ્યાંક પહેલેથી જ મુશ્કેલ હતો અને છેલ્લે શંકર-ધોનીની જોડી ચેન્નઈને વિજય અપાવવામાં નિષ્ફળ રહી હતી.
આ પણ વાંચો: દિલ્હીએ બૅટિંગ પસંદ કર્યા પછી પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી
શંકર-ધોનીની રેકૉર્ડ-બ્રેક ભાગીદારી
અક્ષર પટેલના સુકાનમાં દિલ્હીએ બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 183 રન કર્યા હતા. ચેન્નઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 158 રન બનાવ્યા હતા અને દિલ્હીનો પચીસ રનથી વિજય થયો હતો. શંકર-ધોની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. આઇપીએલમાં ચેન્નઈ વતી છઠ્ઠી વિકેટ માટેની આ સૌથી મોટી ભાગીદારી છે. તેમણે માઇક હસી અને એસ. બદરીનાથનો 73 રનની પાર્ટનરશિપનો વિક્રમ તોડ્યો હતો.

ચેન્નઈનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ
ચેન્નઈનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ ન રહ્યો હોત તો આ જીત ચેન્નઈના નામે લખાઈ હોત. રાચિન રવીન્દ્ર ત્રણ રન, ડેવૉન કૉન્વે પાંચ રન અને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પાંચ રન કરી શક્યા હતા. પાવરપ્લેની છ ઓવરની અંદર કુલ 41 રનમાં ચેન્નઈની ત્રણ વિકેટ પડી ચૂકી હતી. શિવમ દુબે 18 રન અને રવીન્દ્ર જાડેજા ફક્ત બે રન બનાવીને આઉટ થઈ જતાં બધો બોજ શંકર-ધોનીની જોડી પર આવી પડ્યો હતો. દિલ્હી વતી લેગ-સ્પિનર વિપ્રાજ નિગમે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. મિચલ સ્ટાર્ક, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી અને તમામ બોલર્સે ચેન્નઈના બૅટ્સમેનને અંકુશમાં રાખ્યા હતા.
રાહુલના 51 બૉલમાં 77 રન
એ પહેલાં, મૅન ઑફ ધ મૅચ કેએલ રાહુલ (77 રન, 51 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) દિલ્હીની ઇનિંગ્સનો સુપરસ્ટાર બન્યો હતો. તેના સાથી ઓપનર અને ઑસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મૅકગર્કે ખલીલ અહમદની પહેલી જ ઓવરમાં શૂન્યમાં વિકેટ ગુમાવી ત્યાર બાદ રાહુલે ચાર મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને એલએસજીને પોણાબસો ઉપરનું ટોટલ અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.

રાહુલે અભિષેક પોરેલ (33 રન, 20 બૉલ, એક સિક્સર, ચાર ફોર) સાથે બીજી વિકેટ માટે 36 બૉલમાં 54 રનની, કૅપ્ટન અક્ષર પટેલ (21 રન, 14 બૉલ, એક સિકસર, બે ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 23 બૉલમાં 36 રનની, સમીર રિઝવી (20 રન, 15 બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે ચોથી વિકેટ માટે 33 બૉલમાં 56 રનની અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (24 અણનમ, 12 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે પાંચમી વિકેટ માટે 19 બૉલમાં 33 રનની પાર્ટનરશિપ કરી હતી.
ચેન્નઈના છ બોલરમાં ખલીલ સૌથી સફળ
ચેન્નઈ વતી છ બોલરે બોલિંગ કરી હતી જેમાં ખલીલ અહમદ (4-0-25-2) સૌથી સફળ બોલર હતો. રવીન્દ્ર જાડેજા, નૂર અહમદ અને મથીશા પથિરાનાને એક-એક વિકેટ મળી હતી, પણ મુકેશ ચૌધરી અને આર. અશ્વિનને વિકેટ નહોતી મળી.
એ અગાઉ, અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ના સુકાની અક્ષર પટેલે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. સીએસકેના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં હવે દુખાવો ન હોવાથી રાબેતામુજબ તેણે જ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. અગાઉ એવી ચર્ચા હતી કે ગાયકવાડ નહીં રમી શકે તો એમએસ ધોની સુકાનની જવાબદારી સંભાળશે.
દિલ્હીના પોરેલની પણ જોરદાર ફટકાબાજી
દિલ્હીએ બૅટિંગ પસંદ કરી હતી, પણ શરૂઆતમાં જ એને ઝટકો લાગ્યો હતો. સીએસકેના પેસ બોલર ખલીલ અહમદે ઓપનર જેક ફ્રેઝર-મૅકગર્કની વિકેટ લીધી હતી. જોકે રાહુલના નવા સાથી બૅટ્સમૅન અભિષેક પોરેલે મુકેશ ચૌધરીની બીજી ઓવરમાં જોરદાર ફટકાબાજી કરી હતી. તેણે મુકેશ ચૌધરીના બીજાથી પાંચમા સુધીના ચાર બૉલમાં (4, 6, 4, 4) 18 રન બનાવ્યા હતા. ચેન્નઈની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઑવર્ટનના સ્થાને ડેવૉન કૉન્વેને અને રાહુલ ત્રિપાઠીના સ્થાને મુકેશ ચૌધરીને ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે. મૅચની શરૂઆત પહેલાં સ્ટેડિયમ પૂરું ભરાયેલું નહોતું. જોકે સીએસકેને અને ખાસ કરીને ધોનીને રમતો જોવા લોકોનો ધસારો થતો રહ્યો હતો અને સમય જતાં સ્ટેડિયમ પૂરું ભરાઈ ગયું હતું.