બે ભારતીય ક્રિકેટરનો પાકિસ્તાન જેવો વર્લ્ડ રેકોર્ડ: જાણો, કેવી રીતે…
ગુજરાત ટાઈટન્સનો ટી-20 લીગ ક્રિકેટમાં અનોખો વિશ્વ વિક્રમ

નવી દિલ્હી: દુશ્મન દેશ પાકિસ્તાન સાથે ભારતની કે ભારતીય ક્રિકેટરોની કોઈપણ પ્રકારની સરખામણી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી, પરંતુ ખેલકૂદમાં તો કંઈ પણ બની શકે. રવિવારે 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT)એ દિલ્હી કેપિટલ્સ (DC) સામે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 200 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. 25 વર્ષ જૂના ટી-20 ફોર્મેટમાં કોઈ ટીમે 200 રનનો કે 200-પ્લસનો લક્ષ્યાંક એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેળવી લીધો હોય એવું રવિવારે બીજી જ વખત બન્યું. ટી-20 પ્રોફેશનલ લીગમાં તો આવું પહેલી જ વાર બન્યું.

ગુજરાત ટાઇટન્સે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટી-20 ટીમ જેવો વિશ્વ વિક્રમ રવિવારે નોંધાવ્યો હતો. સપ્ટેમ્બર 2022માં કરાંચીમાં ઇંગ્લેન્ડની પ્રવાસી ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 199 રન બનાવીને પાકિસ્તાનને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાને 19.3 ઓવરમાં વિના વિકેટે 203 રન કરીને વિજય મેળવી લીધો હતો. એ જીતમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (અણનમ 110, 66 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) અને મોહમ્મદ રિઝવાન (અણનમ 88, 51 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની ઓપનિંગ જોડીએ પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો.
રવિવારે દિલ્હીમાં અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કર્યા હતા. ગુજરાતે જવાબમાં 19 ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 205 રન કરીને જીત હાંસલ કરી હતી. એમાં કેપ્ટન શુભમન ગિલ (અણનમ 93, 53 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર) અને સાઈ સુદર્શન (અણનમ 108, 61 બૉલ, ચાર સિક્સર, બાર ફોર)ના મહત્વના યોગદાન હતા.
બંને મૅચની સરખામણી કરીએ તો જેમ કેપ્ટન બાબર પાકિસ્તાનની વહારે આવ્યો હતો અને રિઝવાન સાથે 203 રનની અતૂટ ભાગીદારી કરી હતી એમ રવિવારે ગિલ ગુજરાત ટાઇટન્સની વહારે આવ્યો અને સાથી ઓપનર સુદર્શન સાથે તેણે 205 રનની અતૂટ પાર્ટનરશિપ કરી હતી.

ગુજરાત ટાઇટન્સ (વિના વિકેટે 205 રન) અને પાકિસ્તાન (વિના વિકેટે 203 રન), આ બે ઇનિંગ્સને બાદ કરતા ટી-20 જગતમાં ક્યારે કોઈ દેશની ટીમ કે કોઈ પ્રોફેશનલ લીગની ટીમે વિના વિકેટે 200 રનના લક્ષ્યાંકની સિદ્ધિ નથી મેળવી.
ગુજરાતના વિજયથી બેંગલૂરુ-પંજાબને જલસા
ગુજરાત (18 પોઇન્ટ)ની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ નંબરે પાછી આવી ગઈ. દિલ્હી સામે જીતીને ગુજરાતની ટીમ પ્લે ઑફમાંમાં પહોંચી ગઈ, પરંતુ બેંગલૂરુ (17) અને પંજાબ (17)ને પણ આપોઆપ પ્લે ઑફમાં આવી જવા મળ્યું.
હવે એક સ્થાન માટે ત્રણ ટીમ વચ્ચે હરીફાઈ
ગુજરાત, બેંગલૂરુ અને પંજાબમાં પહોંચી ગયા છે જ્યારે ચોથા અને છેલ્લા સ્થાન માટે હવે મુંબઈ (14 પોઇન્ટ), દિલ્હી (13) તથા લખનઊ (12) વચ્ચે હરીફાઈ થશે.
આજે કોની મૅચ?
આઈપીએલ-2025 (IPL-2025)માં આજે લખનઊમાં સાંજે 7:30 વાગ્યાથી લખનઊ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. હૈદરાબાદની ટીમ ચેન્નઈ તેમ જ રાજસ્થાન અને કલકત્તાની જેમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.
મુંબઈની મૅચ હવે ક્યારે?
મુંબઈની હવે એક જ લીગ મૅચ બાકી છે જે બુધવાર, 21મી મેએ સાંજે 7:30 વાગ્યાથી વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી સામે રમાશે. પ્લે ઑફમાં પહોંચવા આ મૅચ બંને ટીમ માટે ‘ કરો યા મરો’ જેવી છે.