રાહુલ સીઝનનો પાંચમો સેન્ચુરિયનઃ દિલ્હીનો ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક...

રાહુલ સીઝનનો પાંચમો સેન્ચુરિયનઃ દિલ્હીનો ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક…

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મહત્ત્વની લીગ મૅચમાં વિકેટકીપર-ઓપનર કેએલ રાહુલ (112 અણનમ, 65 બૉલ, ચાર સિક્સર, 14 ફોર)ની સેન્ચુરી (CENTURY)ની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કરીને ગુજરાતને 200 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.

રાહુલ (KL RAHUL) એકલા હાથે શરૂઆતથી છેક સુધી ગુજરાતના બોલર સામે ઝઝૂમતો રહ્યો હતો. રાહુલ અને વનડાઉન બૅટ્સમૅન અભિષેક પોરેલ (30 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી.
રાહુલ આઇપીએલની આ વખતની સીઝનમાં દિલ્હીનો પ્રથમ અને કુલ પાંચમો સેન્ચુરિયન બન્યો છે. તેની પહેલાં હૈદરાબાદના અભિષેક શર્મા (141), હૈદરાબાદના જ ઇશાન કિશન (અણનમ 106), પંજાબના પ્રિયાંશ આર્ય (103) અને રાજસ્થાનના વૈભવ સૂર્યવંશી (101)એ સદી ફટકારી હતી.

રાહુલે પછીથી કૅપ્ટન અક્ષર પટેલ (પચીસ રન, 16 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે 45 રનની અને છેલ્લે ટ્રિસ્ટેન સ્ટબ્સ (21 અણનમ, 10 બૉલ, બે સિક્સર) સાથે 48 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
ગુજરાતના છમાંથી ત્રણ બોલર (અર્શદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, સાઇ કિશોર)ને એક-એક વિકેટ મળી હતી, જ્યારે ત્રણ બોલર (સિરાજ, રાશીદ ખાન, રબાડા) વિકેટ વિનાના રહ્યા હતા.

Back to top button