પહેલા ત્રણ બૉલમાં કમિન્સની ત્રણ સિક્સર, આઈપીએલમાં ચોથો ખેલાડી બન્યો…

હૈદરાબાદ: લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ગઈ કાલે હારી ગયું હતું, પરંતુ એસઆરએચના કેપ્ટન પૅટ કમિન્સે (PAT CUMMINS) બોલિંગમાં નહીં પણ બૅટિંગમાં અનોખા વિક્રમની બરાબરી કરી હતી. કમિન્સે પોતાના પહેલા ત્રણેય બૉલમાં સિક્સર (THREE SIXES) ફટકારી હતી. આઈપીએલ (IPL)માં પોતાની ઈનિંગ્સના પહેલા ત્રણેત્રણ બૉલમાં છગ્ગો ફટકારનાર કમિન્સ ચોથો બેટ્સમેન બન્યો છે.
કેવી રીતે ફટકારી ત્રણ સિક્સર?
પૅટ કમિન્સ બૅટિંગમાં આવ્યો ત્યારે લખનઊના પેસ બોલર શાર્દુલ ઠાકુરની ઓવરના બે બૉલ બાકી હતા. કમિન્સે પાંચમા અને છઠ્ઠા બૉલમાં સિક્સર ફટકારી હતી. ઇનિંગ્સમાં કમિન્સના આ પહેલા જ બે બૉલ હતા. ત્યાર બાદ આવેશ ખાનની ઓવર શરૂ થઈ હતી જેના પહેલા બૉલમાં હર્ષલ પટેલે એક રન લીધો હતો. કમિન્સ સ્ટ્રાઈક પર આવ્યો હતો અને તેણે પોતાના સતત ત્રીજા બૉલમાં છગ્ગો ફટકારીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ પણ લખાવી દીધું હતું.
આ પણ વાંચો: હૈદરાબાદ સામે લખનઊનો કૅપ્ટન પંત ટૉસ જીત્યો, ફીલ્ડિંગ પસંદ કરી
અગાઉ કોણે પહેલા ત્રણ બોલમાં સિક્સર ફટકારી હતી?
(1) 2024માં વાનખેડેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ) સામે ચેન્નઇ સુપરકિંગ્સના એમએસ ધોનીએ પહેલા ત્રણ બૉલમાં ત્રણ સિક્સર મારી હતી. સીએસકેની ઇનિંગ્સમાં ત્યારે છેલ્લા ચાર બૉલ બાકી હતા. ધોની બૅટિંગ કરવા આવ્યો હતો અને તેણે હાર્દિક પંડ્યાના પહેલા ત્રણેય બૉલમાં સિક્સર ફટકારી દીધી હતી અને છેલ્લા બૉલમાં તેણે બે રન લીધા હતા. સીએસકેના 206/4ના સ્કોર સામે એમઆઈ 186/6ના સ્કોર બદલ 20 રનથી હારી ગયું હતું. એમઆઇને ધોનીની પેલી ત્રણ સિક્સર જ છેલ્લે ભારે પડી હતી.
(2) 2023ની મૅચમાં હૈદરાબાદ સામે લખનઊના નિકોલસ પૂરને બૅટિંગમાં આવ્યા બાદ પોતાના પહેલા ત્રણેય બૉલમાં (હૈદરાબાદના બોલર અભિષેક શર્માના એ ત્રણ બૉલમાં) સિક્સર ફટકારી હતી. લખનઊ એ મૅચ સાત વિકેટથી જીતી ગયું હતું.
આ પણ વાંચો:વિરાટ કોહલી CSK ના બોલર્સ પર ભારે પડશે? CSK સામે વિરાટનું શાનદાર પ્રદર્શન
(3) 2021માં કેકેઆરના સુનીલ નારાયણે બેંગલૂરુ સામે પોતાના પહેલા ત્રણેય બૉલમાં સિક્સર ફટકારી હતી. તેણે આ ઐતિહાસિક સિદ્ધિ બેંગલૂરુના ડૅન ક્રિશ્ચનની બોલિંગમાં મેળવી હતી.
ગુરુવારે લખનઊ કેવી રીતે જીત્યું?
ગુરુવારે હૈદરાબાદના બેટ્સમેન પોતાના જ ગ્રાઉન્ડ પર બૅટિંગમાં અપેક્ષા કરતાં ઊણા ઊતર્યા હતા. લખનઊ સામે તેમણે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન કર્યા હતા. લખનઊએ નિકોલસ પૂરનના 70 રન, મિચલ માર્શના બાવન રન અને અબ્દુલ સામદના બાવીસ રનની મદદથી 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. હૈદરાબાદની ચાર વિકેટ લેનાર લખનઊના પેસ બોલર શાર્દુલ ઠાકોરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.