તળિયાની ચેન્નઈની ટીમે નંબર-વન ગુજરાતને પછાડ્યું
સીઝનમાં જીટીનો સૌથી ખરાબ અને સીએસકેનો સૌથી સારો પર્ફોર્મન્સઃ ગિલની ટીમે ટૉપ-ટૂમાં આવવાની તક ગુમાવી

અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ આઇપીએલ-2025ની પોતાની અંતિમ મૅચમાં અહીં ગુજરાત ટાઇટન્સ (જીટી)ને 83 રનથી હરાવીને રહીસહી આબરૂ પાછી મેળવી હતી.
એક તરફ, તળિયાની (10મા નંબરની) સીએસકેએ આ સીઝનમાં પોતાનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બતાવ્યો હતો અને બીજી બાજુ, પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ગુજરાતની ટીમે આ વખતનો સૌથી ખરાબ દેખાવ કરીને હાર સ્વીકારી હતી. શુભમન ગિલની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે, પણ ઉપરાઉપરી બે મૅચ હારીને ટૉપ-ટૂમાં આવવાની તક એણે ગુમાવી હતી.
આપણ વાંચો: ભારતનો ગુજરાતી ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં!
ગુજરાતની ડેબ્યૂ પછી સૌથી ખરાબ હાર
ગુજરાત 2022માં ડેબ્યૂ કર્યા પછી (ત્રણેય સીઝનમાં) પહેલી વાર 83 રનના મોટા માર્જિનથી હાર્યું છે. ચેન્નઈના ખેલાડીઓ જો અગાઉની મૅચોમાં આવું અસરદાર ઑલરાઉન્ડ પર્ફોર્મ કરી શક્યા હોત તો આજે તેમની ટીમ પ્લે-ઑફમાં હોત.
ચેન્નઈનો જીત સાથે આરંભ, વિજય સાથે સમાપન
આ સીઝનની શરૂઆતમાં 23મી માર્ચે ચેન્નઈમાં સીએસકેની ટીમે મુંબઈ ઇન્ડિયન્સને ચાર વિકેટે હરાવીને અભિયાનનો આરંભ કર્યો હતો. પછીથી હારની હારમાળાને લીધે અને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને લીધે સ્પર્ધાની બહાર થઈ જતાં આ ટીમે એક પછી એક પછડાટ ખાવી પડી હતી.
જોકે રવિવારે ધોનીના સુકાનમાં ચેન્નઈએ વિજય હાંસલ કરીને આ સીઝનમાંથી વિદાય લીધી. ખુદ ધોનીએ મૅચ પછી કહ્યું, `સ્પર્ધામાંથી વિજય સાથે વિદાય લેવા બદલ આનંદ અનુભવું છું.’
આપણ વાંચો: ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?
સુદર્શન સિવાય કોઈના પચીસ રન પણ નહીં

ચેન્નઈએ બૅટિંગ પસંદ કર્યા બાદ પાંચ વિકેટે 230 રન કર્યા હતા જેના જવાબમાં ગુજરાતની ટીમ 18.3 ઓવરમાં 147 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી આ વિજય મેળવ્યો હતો, જ્યારે ગુજરાતે બોલિંગમાં નબળું પર્ફોર્મ કર્યા બાદ બૅટિંગમાં એનાથી પણ ખરાબ દેખાવ કર્યો.
ઓપનર સાઇ સુદર્શન (41 રન, 28 બૉલ, છ ફોર)ના સાધારણ દેખાવને બાદ કરતા ટીમનો બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. સુદર્શન પછી ટીમમાં શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર બોલર અર્શદ ખાન (20 રન, 14 બૉલ, ત્રણ સિક્સર)નો હતો. ગુજરાતની ટીમે આ સીઝનમાં ક્યારેય રવિવાર (147-10) જેવો ખરાબ પર્ફોર્મન્સ ક્યારેય નહોતો બતાવ્યો.
14માંથી નવ જીત અને પાંચ હાર જોનાર ગુજરાતના રવિવારના ફ્લૉપ બૅટ્સમેનોમાં કૅપ્ટન શુભમન ગિલ (13 રન), જૉસ બટલર (પાંચ રન), શેરફેન રુધરફર્ડ (0), એમ. શાહરુખ ખાન (19), રાહુલ તેવાટિયા (14) અને રાશીદ ખાન (12)નો સમાવેશ હતો.
આપણ વાંચો: સીઝનના બેસ્ટ પર્ફોર્મન્સમાં ચેન્નઈએ પાંચ વિકેટે બનાવ્યા 230 રન…
બે્રવિસ મૅન ઑફ ધ મૅચ, કૉન્વે પણ સુપરહિટ

ચેન્નઈએ આ જીત ખાસ કરીને ઓપનર ડેવૉન કૉન્વે (બાવન રન, 35 બૉલ, બે સિક્સર, છ ફોર) અને મૅન ઑફ ધ મૅચ ડેવાલ્ડ બે્રવિસ (57 રન, 23 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ના પર્ફોર્મન્સથી મેળવી. ખાસ કરીને તેમણે ચેન્નઈને 230 રનનો મોટો સ્કોર અપાવ્યો હતો. જોકે બોલિંગમાં પણ ચેન્નઈના કેટલાક બોલર્સે કમાલ કરી હતી.
અંશુલ કંબોજ (2.3-0-13-3), નૂર અહમદ (4-0-21-3) અને રવીન્દ્ર જાડેજા (3-0-17-2) તેમ જ ખલીલ અહમદ (3-0-17-1) અને મથીશા પથિરાના (3-0-29-1)ના પણ ઉપયોગી યોગદાનોની મદદથી ચેન્નઈએ ગુજરાતને 150 રનના આંક સુધી પણ નહોતું પહોંચવા દીધું.
ચેન્નઈના સ્ટાર બૅટ્સમૅન કૉન્વેએ સાથી ઓપનર આયુષ મ્હાત્રે (34 રન, 17 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) સાથે 44 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને પછી ઉર્વિલ પટેલ (37 રન, 19 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.
શિવમ દુબે (17 રન, આઠ બૉલ, બે સિક્સર) સાથે પણ કૉન્વેની 37 રનની પાર્ટનરશિપ થતાં ચેન્નઈનો સ્કોર 13મી ઓવરમાં 150 રનની નજીક પહોંચી શક્યો હતો. જોકે દુબે અને કૉન્વેએ ટીમ સ્કોરના ટૂંકા તફાવતમાં વિકેટ ગુમાવી ત્યાર બાદ બે્રવિસે બાજી સંભાળી હતી અને તેણે રવીન્દ્ર જાડેજા (21 અણનમ, 18 બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે 74 રનની ભાગીદારીથી ટીમના સ્કોરને 200 પાર કરાવવામાં સફળતા મેળવી હતી.
મ્હાત્રેએ એક ઓવરમાં 28 રન કર્યા
એ પહેલાં, સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી ત્યાર બાદ મૅચ શરૂ થતાં જ સીએસકેના નવયુવાન ઓપનર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા આયુષ મ્હાત્રેએ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. 17 વર્ષના મ્હાત્રેએ લેફ્ટ-આર્મ મિડિયમ પેસ બોલર અર્શદ ખાનની એક ઓવરમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી કુલ 28 રન ખડકી દીધા હતા.
જોકે ચોથી ઓવર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની હતી જેના ચોથા બૉલમાં ચેન્નઈનો સ્કોર 44 રન હતો ત્યારે મોહમ્મદ સિરાજના હાથમાં મ્હાત્રે કૅચઆઉટ થયો હતો. મ્હાત્રેએ 17 બૉલમાં 34 રન કર્યા હતા. ગુજરાતના સાત બોલરમાંથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ સૌથી વધુ બે વિકેટ તથા સાઇ કિશોર, રાશીદ ખાન અને એમ. શાહરુખ ખાને એક-એક વિકેટ મેળવી હતી.