IPL 2025

તિલકને રિટાયર-આઉટ કરાતાં ડ્રેસિંગ-રૂમમાં સૂર્યકુમાર નારાજ થયો હતો?

સૂર્યાએ આઉટ થતાં પહેલાં તિલક સાથે 66 રનની ભાગીદારી કરી હતી

લખનઊઃ ભારત વતી ટી-20માં બે સેન્ચુરી ફટકારી ચૂકેલા અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની બૅટિંગ લાઇન-અપમાંના એક આધારસ્તંભ ગણાતા તિલક વર્માને શુક્રવારે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મૅચની અંતિમ પળોમાં રિટાયર-આઉટ કરી દેવામાં આવ્યો (બૅટિંગમાં હોવા છતાં કોઈ નવા બૅટ્સમૅનને રમવાનો મોકો આપવા પૅવિલિયનમાં પાછો મોકલી દેવામાં આવ્યો) એ નિર્ણય ચર્ચાસ્પદ થયો છે.

શુક્રવાર અને શનિવારે સોશિયલ મીડિયામાં આ નિર્ણય બદલ એમઆઇના ટીમ-મૅનેજમેન્ટની ખૂબ ટીકા થઈ હતી, હવે અહેવાલ મળ્યો છે કે એ મૅચમાં ભારે સંઘર્ષભરી ઇનિંગ્સમાં 43 બૉલમાં કુલ 10 બાઉન્ડરીની મદદથી 67 રન બનાવનાર સૂર્યકુમાર યાદવ સાથી ખેલાડી તથા ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ટીમમાં ખાસ સમાવવામાં આવેલા તિલક (Tilak Verma)ને આ રીતે રિટાયર-આઉટ (Retire Out) કરવાના નિર્ણય બદલ નારાજ છે.

આપણ વાંચો: દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…

ટીમ-મૅનેજમેન્ટમાં કૅપ્ટન, કોચ તેમ જ ટીમના સિનિયર ખેલાડીઓનો સમાવેશ હોય છે. એમઆઇને જીતવા 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. છેલ્લા સાત બૉલમાં 24 રન બનાવવાના બાકી હતા અને એમઆઇ પાસે વિકેટ ઘણી બાકી હતી. જોકે 23 બૉલમાં પચીસ રન બનાવનાર તિલક વર્માને એ તબક્કે રિટાયર-આઉટ કરવાનો નિર્ણય લેવાયો હતો જે કારગત નહોતો નીવડ્યો.

એમઆઇની ટીમ 20 ઓવરમાં 191 રન બનાવી શકી હતી અને 12 રનથી પરાજય થયો હતો. તિલકના સ્થાને મિચલ સૅન્ટનરને રમવા બોલાવાયો હતો. હાર્દિક પંડ્યા અને સૅન્ટનર એમઆઇને વિજય નહોતા અપાવી શક્યા. આવેશ ખાનની 20મી ઓવરના ત્રીજા બૉલમાં હાર્દિકે પોતે જ મૅચ ફિનિશ કરવાનું નક્કી કરીને સિંગલ લેવાનું ટાળ્યું હતું, પણ તે બાકીના ત્રણ બૉલમાં વિજય નહોતો અપાવી શક્યો.

આપણ વાંચો: જાણી લો, મુંબઈ ઇન્ડિયન્સે દરેક સીઝનમાં જીતવાનું ક્યારે શરૂ કર્યું…

એમઆઇના હેડ-કોચ માહેલા જયવર્દનેએ મૅચ પછી કહ્યું હતું કે ઇમ્પૅક્ટ પ્લેયર તિલક વર્માને રિટાયર-આઉટ કરી દેવાનું ઠીક તો ન કહેવાય, પણ એ નિર્ણય ખાસ વ્યૂહરચનાને ધ્યાનમાં લઈને લેવાયો હતો. તિલક સારું રમ્યો, પણ છેલ્લી ઓવર્સમાં તે જોઈએ એવું ઉગ્રતાથી નહોતો રમી શકતો.

મને થયું કે થાકી ગયેલા તિલકના સ્થાને કોઈ નવા બૅટ્સમૅનને મોકલવો જોઈએ.' જોકે જયવર્દનેના આ નિર્ણયથી સૂર્યકુમાર નારાજ હોય એવું વીડિયોમાં જોવા મળ્યું હતું. સૂર્યકુમાર આઉટ થયો એ પહેલાં તેની અને તિલક વચ્ચે 48 બૉલમાં 66 રનની ભાગીદારી થઈ હતી.

સૂર્યા નિર્ણયથી નારાજ થયો હતો અને ખુદ જયવર્દનેએ તેને ઠંડો પાડ્યો હોવાનું વીડિયોમાં દેખાતું હતું. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ વીરેન્દર સેહવાગ, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફના મતે તિલક વર્માને રિટાયર-આઉટ કરી દેવાના નિર્ણય પાછળ કંઈ જ તથ્ય હોય એવું લાગતું નહોતું.

આ ભૂતપૂર્વ ખેલાડીઓનું એવું કહેવું હતું કેતિલકના સ્થાને એવા બૅટ્સમૅનને મેદાન પર મોકલવામાં આવ્યો જે ચોક્કા-છગ્ગા ફટકારવા માટે જરાય જાણીતો નથી અને આઇપીએલમાં બૅટિંગમાં તેનો માત્ર 106.00નો સ્ટ્રાઇક-રેટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button