ચહલ હૅટ-ટ્રિક હીરો, ઓવરમાં લીધી ચાર વિકેટઃ ચેન્નઈ 190 રને ઑલઆઉટ

ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે આજે અહીં પંજાબ કિંગ્સ સામે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લે 19.2 ઓવરમાં 190 રનના સન્માનજનક સ્કોર પર એનો દાવ પૂરો થયો હતો. પંજાબનો યુઝવેન્દ્ર ચહલ (3-0-32-4) પંજાબ સુપરહીરો બન્યો હતો. તેણે હૅટ-ટ્રિક લીધી હતી. આઇપીએલમાં આ તેની બીજી હૅટ-ટ્રિક છે.
ચહલે (YUZVENDRA CHAHAL) એક જ ઓવરમાં હૅટ-ટ્રિક સહિત કુલ ચાર વિકેટ લીધી હતી. તેણે ધોની (11 રન), દીપક હૂડા (બે રન), અંશુલ કમ્બોજ (0) અને નૂર અહમદ (0)ને આઉટ કર્યા હતા. એમાં છેલ્લા ત્રણ બૅટ્સમેનની વિકેટ તેની હૅટ-ટ્રિક હતી. અર્શદીપ સિંહ અને માર્કો યેનસેને બે-બે વિકેટ લીધી હતી.
એક તબક્કે ચેન્નઈએ 48 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, પણ સૅમ કરૅન (88 રન, 47 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) ટીમની વહારે આવ્યો હતો. તેણે ડેવાલ્ડ બે્રવિસ (32 રન) સાથે 50 બૉલમાં 78 રનની અને શિવમ દુબે (છ અણનમ) સાથે બાવીસ બૉલમાં 46 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો: પંજાબે ફીલ્ડિંગ લીધી, મૅક્સવેલ ફ્રૅક્ચરને લીધે ટૂર્નામેન્ટમાંથી લગભગ આઉટ
ચેન્નઈના મોટા ભાગના બૅટ્સમેન સાવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા અને એમાં કૅપ્ટન એમએસ ધોનીનો પણ સમાવેશ હતો.
પંજાબની ટીમમાં ઈજાગ્રસ્ત ગ્લેન મૅક્સવેલના સ્થાને સૂર્યાંશ શેડગેને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો, જ્યારે સીએસકેની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.
મૅક્સવેલને આંગળીમાં ફ્રૅક્ચર થયું છે અને એવું મનાય છે કે તે હવે આ આઇપીએલ (IPL-2025)ની બાકીની મૅચોમાં પણ નહીં રમે.
ચેન્નઈની ટીમ આ વખતે નવમાંથી સાત મૅચ હારી છે અને જો આજે હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ જશે અને હારી જશે તો પ્લે-ઑફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ જશે.
બીજી તરફ, શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબને આજે જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફોરમાં આવવાનો મોકો છે.