બુમરાહ એમઆઇની ટીમ સાથે જોડાઈ ગયો છે, પણ ફિટનેસ માટે પૂરતી પ્રૅક્ટિસ કરી છે ખરી?

મુંબઈઃ આઇપીએલની 18મી સીઝનમાં ચારમાંથી ત્રણ મૅચ હારવા બદલ હાલમાં નાજુક સ્થિતિનો સામનો કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમને ફરી સકારાત્મક સ્થિતિમાં લાવી શકે એવું બનવા જઈ રહ્યું છે. ટીમનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH ) કમબૅક કરી રહ્યો છે. તે એમઆઇની સ્ક્વૉડ સાથે જોડાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે તે આઇપીએલ (IPL 2025)માં રમતાં પહેલાં ફિટનેસ પુરવાર કરવા માટેની એકાદ-બે પ્રૅક્ટિસ મૅચ રમીને આવ્યો છે કે કેમ એ સ્પષ્ટ નહોતું.
બુમરાહ પીઠ (BACK injury)ના નીચલા ભાગમાં સ્ટ્રેસ સંબંધિત ઈજાને કારણે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટથી નથી રમી રહ્યો. તે બેંગલૂરુમાં નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (NCA)માં સારવાર લઈ રહ્યો હતો. જોકે તે શનિવારે એમઆઇ સાથે જોડાઈ ગયો હોવાનું જાણવા મળ્યા બાદ એવું પણ કહેવાઈ રહ્યું છે કે તે સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં એમઆઇ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)) વચ્ચે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી મૅચમાં રમશે કે કેમ એ હજી નક્કી નહોતું.
બુમરાહ બેંગલૂરુમાં સેન્ટર ઑફ એક્સેલન્સ ખાતેના બીસીસીઆઇના સ્ટાફ પાસેથી રમવા માટેનું સર્ટિફિકેટ લઈને આવ્યો હોવાનું મનાય છે.
ચોથી એપ્રિલે બુમરાહની ફિટનેસ વિશે જે અપડેટ મળ્યું હતું એમાં જણાવાયું હતું કે તે 7મી એપ્રિલની વાનખેડેની આરસીબી સામેની મૅચમાં કદાચ નહીં રમે.
આપણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટરની હેલ્મેટમાં બૉલ ઘૂસી ગયો, વીડિયો જોશો તો ચોંકી જશો…
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતની આઇપીએલમાં ચારમાંથી એક જ મૅચ જીતી શકી છે. બુમરાહની ગેરહાજરીમાં બે પેસ બોલર અશ્વની કુમાર અને સત્યનારાયણ રાજુને તેમ જ સ્પિનર વિજ્ઞેશ પુથુરને ડેબ્યૂ કરવાનો મોકો અપાયો છે. વર્તમાન ટીમના મુખ્ય પેસ બોલર્સમાં ટ્રેન્ટ બૉલ્ટ, દીપક ચાહર અને હાર્દિક પંડ્યાનો સમાવેશ છે.
બુમરાહ 2013ની સાલથી એમઆઇ વતી રમે છે અને તેણે 133 મૅચમાં 165 વિકેટ લીધી છે. 2023માં તે પીઠની ઈજાને લીધે આઇપીએલમાં નહોતો રમી શક્યો.