સીએસકેના હાઈએસ્ટ 61 ડૉટ-બૉલ, હવે બીસીસીઆઈ 30,500 વૃક્ષ રોપશે!

ચેન્નઈ: ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ ગઈ કાલે ચેપૉકના હોમ-ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે અનેક ખરાબ રેકોર્ડ સાથે હારી ગઈ એ પરાજયને સીએસકેના કરોડો ચાહકો ભૂલવાની કોશિશ કરશે, પરંતુ આ ટીમથી આડકતરી રીતે એક બહુ સારું કામ થયું છે. આ ટીમને કારણે હવે બીસીસીઆઈ 30,500 વૃક્ષ રોપશે (TREE PLANTATION).
વાત એવી છે કે કેકેઆર સામેની આ મૅચમાં સીએસકેની ઇનિંગ્સમાં હાઈએસ્ટ 61 ડૉટ-બૉલ (Dot balls) નોંધાયા હતા. બીસીસીઆઈનો ટાટા ગ્રુપ સાથે કરાર છે જે હેઠળ બીસીસીઆઈએ પ્રૉમિસ આપ્યું છે કે આઇપીએલમાં નોંધાતા પ્રત્યેક ડૉટ-બૉલ સામે તેઓ 500 વૃક્ષનું રોપણ કરાવશે.
બે વર્ષ પહેલાં શરૂ કરેલા આ અભિયાન બદલ બીસીસીઆઈની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આઇપીએલની દરેક મૅચમાં ડૉટ-બૉલ વખતે સ્ક્રીન ગ્રાફિક્સમાં ઝાડનું પ્રતીક બતાવવામાં આવે છે. શુક્રવારની મૅચમાં સીએસકેના દાવમાં કુલ 61 ડૉટ-બૉલ હતા. એ જોતાં, બીસીસીઆઈ આ ઇનિંગ્સને ધ્યાનમાં લઈને (61×500) કુલ 30,500 છોડ વાવશે.
આ પણ વાંચો: ‘….પરિસ્થિતિ બદલાશે’ IPL 2025 માંથી બહાર થયા બાદ રુતુરાજ ગાયકવાડનો મેસેજ
સીએસકે (20 ઓવરમાં 103/9) સામેની આ મૅચમાં કેકેઆર (10.1 ઓવરમાં 107/2)ની ટીમે 59 બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો. કેકેઆરના કૅરિબિયન ઑલરાઉન્ડર સુનીલ નારાયણ (13 રનમાં ત્રણ વિકેટ અને પાંચ સિક્સર તથા બે ફોરની મદદથી 18 બૉલમાં 44 રન)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.