IPL 2025

આઇપીએલ-2025માં `કરે કોઈ, ભરે કોઇ’નો બીજો કિસ્સો બન્યો

ઓવર-રેટની કસૂર જિતેશની, 24 લાખનો દંડ પાટીદારનેઃ અગાઉ સૅમસને રિયાનને લીધે ભોગવેલું

લખનઊઃ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરાવી શકવા બદલ (સ્લો ઓવર-રેટના ભંગ બદલ) સંબંધિત ટીમના મુખ્ય કૅપ્ટનને લાખો રૂપિયાનો દંડ થાય છે અને શુક્રવારે અહીં બેંગલૂરુ-હૈદરાબાદ મૅચમાં જે બન્યું એવુંં આઇપીએલ (IPL-2025)ની આ સીઝનમાં અગાઉ પણ એક વાર બન્યું હતું.

વાત એવી છે કે શુક્રવારની મૅચમાં બેંગલૂરુનો મુખ્ય કૅપ્ટન રજત પાટીદાર (RAJAT PATIDAR) ઈજાને લીધે આખી મૅચમાં નહોતો રમ્યો અને તેણે (ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે) માત્ર બૅટિંગ કરી હતી અને તેની ગેરહાજરીમાં કૅપ્ટન્સી વિકેટકીપર જિતેશ શર્મા (JITESH SHARMA)ને સોંપાઈ હતી. જોકે જિતેશ એ મૅચમાં સમયસર 20 ઓવર પૂરી નહોતો કરાવી શક્યો એટલે પાટીદાર મુખ્ય સુકાની હોવા બદલ પાટીદારને આઇપીએલના નિયમ હેઠળ સીઝનમાં બીજી વાર સ્લો ઓવર-રેટ (SLOW OVER RATE)ના ભંગને કારણે 24 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો.

એ જ મૅચની વિજેતા ટીમના સુકાની પૅટ કમિન્સે નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી નહોતી કરાવી એટલે તેને (સીઝનમાં પહેલી વાર ભંગ થયો હોવા બદલ) 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદના 231/6ના સ્કોર સામે બેંગલૂરુની ટીમ 19.5 ઓવરમાં 189 રનના સ્કોર પર આઉટ થઈ જતાં હૈદરાબાદનો 42 રનથી વિજય થયો હતો.

સ્લો ઓવર-રેટ બદલ કોઈ કાર્યવાહક સુકાનીથી કસૂર થઈ હોય, પણ દંડ મુખ્ય કૅપ્ટને ભરવો પડ્યો હોય એવું આ જ સીઝનમાં બની ગયું હતું. રાજસ્થાન રૉયલ્સનો મુખ્ય કૅપ્ટન સંજુ સૅમસમ ઈજાને લીધે ઘણી મૅચ નહોતો રમ્યો. એમાંની એક મૅચ કે જેમાં રિયાન પરાગ સુકાની હતો તે સમયસર 20 ઓવર નહોતો કરાવી શક્યો એટલે ટીમનો મુખ્ય કૅપ્ટન હોવા બદલ 24 લાખ રૂપિયાનો દંડ સૅમસને ભોગવવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button