નેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

IPL 2025 Retention: આ ખેલાડીઓ થયા માલામાલ, આ ટીમોએ કેપ્ટન્સને પણ છુટા કર્યા, જાણો રસપ્રદ બાબતો

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં યોજાનારા મેગા ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ (IPL 2025 Retention list) જાહેર કરી દીધું છે. IPL 2025ની હરાજી પહેલા કુલ 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે.

IPL 2025ની રિટેન્શન લિસ્ટમાં કેટલાક ખેલાડીઓને નિરાશા હાથ લાગી છે, જયારે કેટલાક ખેલાડીઓ પર ધનનો વરસાદ થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ફ્રેન્ચાઈઝીઓએ તેમના કોર ગ્રુપ જાળવી રાખ્યા છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ હવે નવી વ્યૂહરચના સાથે હરાજીમાં ઉતરશે. આરસીબીએ ત્રણ અને પંજાબે બે ખેલાડીઓને રિટેન કર્યા છે.

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હેનરિક ક્લાસેનને સનરાઈઝર્સ હૈદરાબાદે સૌથી વધુ 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન નિકોલ્સન પૂરન આ મામલે બીજા ક્રમે છે. કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. નિકોલસ પૂરનને પણ આજ જ કિંમતે લખનઉ સુપર જાયન્ટ્સે રિટેન કર્યો છે.

રિટેન્શન લીસ્ટ અંગે મોટી વાત એ રહી કે રિષભ પંત, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસને તેમની ટીમોએ રિટેન કર્યા ન હતાં. આ તમામે આઈપીએલની છેલ્લી સીઝનમાં પોતપોતાની ટીમની કેપ્ટનશીપ કરી હતી.

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો ખિતાબ પણ જીત્યો હતો.. મોહમ્મદ શમી, ઈશાન કિશન, માર્કસ સ્ટોઈનિસ, જોસ બટલર પણ ઓક્શનમાં સામેલ થશે. ગુજરાત ટાઇટન્સે શમીની ફિટનેસને ધ્યાનમાં લેતા તેને રિટેન કર્યો નથી.

મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર આગામી સિઝનમાં રમતો જોવા મળશે. 43 વર્ષીય ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવ્યો છે. IPLના નવા નિયમો અનુસાર, જો કોઈ ભારતીય ખેલાડી 5 વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, તેને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે.

ભારત તરફથી રમી ચૂકેલા ફાસ્ટ બોલર સંદીપ શર્માને પણ રાજસ્થાન રોયલ્સે અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કર્યો છે.

રિંકુ સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સે 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. IPL 2024માં રિંકુ સિંહની સેલેરી 55 લાખ રૂપિયા હતી, પરંતુ હવે તેની સેલેરી અનેક ગણી વધી ગઈ છે. ફાસ્ટ બોલર મયંક યાદવ અને મતિશા પાથિરાનાને પણ મોટો ફાયદો થયો છે. મયંકને લખનઉ સુપર જાયન્ટ્સે રૂ. 11 કરોડમાં જ્યારે પથિરાનાને ચેન્નાઇ સુપર કિંગ્સે રૂ. 13 કરોડમાં રિટેન કર્યો છે. મયંક અને પથિરાનાનો અગાઉના IPLમાં સેલેરી 20-20 લાખ રૂપિયા હતી.

આ પણ વાંચો…..IPLમાં હવે થશે અદાણીની એન્ટ્રી, આ ટીમ ખરીદશે

IPLના ઓક્શનમાં પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 110.5 કરોડ રૂપિયા હશે. પંજાબે હરાજી પહેલા માત્ર બે ખેલાડીઓ (શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહ)ને રિટેન કર્યા છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પાસે 83 કરોડ રૂપિયા બાકી છે, જે બીજા નંબરે છે. હરાજીમાં રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી ઓછું ફંડ (41 કરોડ) હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button